આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઢુંઢે છે પ્રિયને વૃથા રખડતી આશા વિના બાપડી,
આશા મેળવવા ફરી હૃદયને પ્રેરે વૃથા બાપડી;
આશા જો ગઈ ને પડી જિગરમાં કૈં ફાળ પ્રેમી વિષે;
ચોંટી તો ઉખડે નહીં ફિકર એ યત્નો હજારો વડે.

આશાનો તન્તુ ત્હોયે ના, તૂટી છેક પડ્યો હતો;
આશામાં ને નિરાશામાં, ઝિંદગી લટકી રહી!

આવી રીતે દિન પછી દિનો કષ્ટના કૈંક વીત્યા,
રીબાતું ને હૃદય ઝરતું ત્હોય તૂટી પડે ના;
થાકેલી એ ભટકતી ઘણું ક્રૌંચને સાથ લેઈ,
નિશાની એ પ્રિય તણી ગણી જોઈ તે રોઈ રહેતી!

આશા મીઠી કટુ થઈ હવે ત્હોય છોડી ન છૂટે,
જૂઠી તેને મગજ સમજે ત્હોય હૈયું ન છોડે;
આશા એ તો મધુર કડવો અંશ છે ઝિંદગીનો,
છેદાયે ના જીવિત સુધી એ છેદતાં જીવ જાતો!

રોતાં રોતાં રવિઉદયથી અસ્ત તેના નિહાળ્યા,
રોતાં રોતાં શશીઉદય ને અસ્ત તેના ય જોયા;
સ્પર્શ્યો જેને પ્રણયતણખો આમ તે ઝૂરવાનું!
સર્વાંગે આ અનલભડકે આમ આ દાઝવાનું!

ગમે તે વેળાએ જન કદિ અહીંથી નિકળતું,
કટુ કારી તેનું રુદન સુણીને તે અટકતું,
અને ઉઠી કન્યા પૂછતી પ્રિયનું નામ લઈને
'કહીં દીઠો તેને?' જરૂર મળતું ઉત્તર 'નહીં'!

વળી રોતી ગાતી ભમતી હિજરાઈ ગળી જતી,
પડી છાની જોતી નભ પર જતી વાદળી વળી;
ઉઘાડાં નેત્રોથી કદી વળી કશું ના નિરખતી,
મહા અન્ધારામાં ઉતરી ઉતરીને અટકતી.

સૂતી એક દિને હતી દુઃખ તણા અંધારામાં આમ એ,
તે છાયા તરતી હતી મગજમાં ચોંટી હતી દૃષ્ટિએ;
બીજું કો દિલ સ્નેહના દુઃખ વતી ત્યાં ધૂંધવાતું હતું,
કન્યાએ પણ ભાન એ હૃદયનું કૈં એ રહ્યું ના હતું.

કલાપીનો કેકારવ/૧૨૮