પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૩૯
 

કારણ કે જેની આંખને હૃદયના ચેતનનો પ્રકાશ નથી સાંપડ્યો, અર્થાત્ જેને આધ્યાત્મિક દૃષ્ટિ નથી મળી, તેને તું શી રીતે દેખાવાનો હતો ?

કડી ૩. શુક્લ પક્ષમાં ચન્દ્રનું તેજ ખીલે છે, પણ અમાસ આવ્યે ચન્દ્રિકાનો પ્રકાશ જતો રહે છે ને દુનિયામાં અંધકાર ફેલાય છે; કારણ કે ચન્દ્રનું તેજ એ તેના આત્માનું પોતાનું તેજ નથી. એ તો પરતેજે પ્રકાશે છે. તે જ રીતે સગાંવહાલાંઓ એ આત્માનાં સાચાં સગાંવહાલાં નથી. એમની માયામમતા જૂઠી હોય છે. આત્માનો સાચો સગો તો ઈશ્વર જ છે.

પૃષ્ઠ ૧૨. દર્શનની ઝંખના ઈશ્વરના દર્શનની ઝંખના કવિના હૃદયમાં જાગે છે ને એ એને સર્વત્ર ઢૂંઢે છે. હૃદયમાં ભાવનો સમુદ્ર ઉભરાય છે.આકાશને અડે એટલાં ઊંચાં મોજાં એમાં આવે છે પણ છેવટે તો એ મોજાંઓ કૂદી કૂદીને કિનારે અટકે છે. ઈશ્વરનાં દર્શન થતાં નથી. વીજળીની પાંખ પર ચઢીને આકાશને સૃષ્ટિ એ ખોળી વળે છે.સૂર્યચન્દ્રની પીઠ પર બેસીને કિરણે કિરણ ઢૂંઢી વળે છે. સ્વર્ગ ને પાતાળના ભેદ ખોલે છે. તારા, ઉષા, સન્દ્યા, ઈન્દ્રધનુષ, રાત, દિવસ ઈત્યાદિમાં ઈશ્વરને શોધવા કવિ મથે છે પણ એમાં સંપૂર્ણ દર્શન થતાં નથી.

કડી ૭. એ ઈશ્વર અંદર હશે કે બહાર છુપાયો હશે ? એનો આકાર કેવો હશે ?મારામાં ને તારામાં સર્વત્ર એ જ રહેલો છે, તો એના જુદા આકરની ક્લ્પના શી રીતે કરવી ? એ તો આપણી આંખની કીકીમાં જ વસ્યો છે. એ દૃશ્ય નથી પણ દ્રષ્ટા પોતે જ છે. એને ક્યાં જોવા જવો ? મારી કીકીનાં દ્વાર કોઈ ખોલો, અર્થાત્ આત્માની દૃષ્ટિ ઉઘાડો તો એનાં દર્શન થશે.

પૃષ્ઠ ૧૬. છુપામણાં મારો પ્રભુ સંતાઈ ગયો છે. એને ક્યાં શોધું ? નીચે, પૃત્વી પર લીલાના - માયાના - અનેક પડદા પડ્યા છે. ઉપર, આકાશમાં અસંખ્ય તારાઓનું ટોળું જામ્યું છે. એ સર્વમાં મારો પ્રભુ ક્યાંક સંતાઈ રહ્યો છે. દશે દિશાની દોર બનાવી હું ઊંચા આભને હીંડોળું છું. આ બાજુ વાદળો ને પેલી તરફ તારાઓ: બન્ને વચ્ચે મારું ભોળું હૃદય ઝોલાં ખાય છે. મારો પ્રભુ જડતો નથી ને જીંદગી મને નીરસ ભાસે છે. કોઈ સંત પુરુષ મને માર્ગ બતાવો, કારણ કે બ્રહ્માંડ ગમે તેટલું મોટું હશે પણ પ્રેમ આગળ એનો વિસ્તાર કંઈ વિસાતમાં નથી. આ મહાવિશાળ વિશ્વમાં છુપાએલી વસ્તુને પ્રેમ તરત પકડી શકે છે. "પ્રેમના તંતમાં સંત ઝાલે."

પૃષ્ઠ ૧૮. સત્યની શોધ કવિ ઈશ્વરને કહે છે, આખા સંસારમાં તારું સત્ય હું ક્યાં જઈને શોધી કાઢું ?