આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘુવડ : ૯૩
 

ભાવના અમે કેળવી હતી. અને – એવાં વ્યવસ્થિત સાધનો હોત તો પણ એ મુખનો મોહ ઘટ્યો ન હોત એની આજ પણ મને ખાતરી છે.

કેદખાને મને એક ખબર મળી કે નિરુપમાં જીવે છે અને મારી રાહ જુએ છે ! જે સંજોગોમાં અમે છૂટ્યાં પડ્યાં હતાં એ સંજોગોએ નિરુપમાના જીવનની આસપાસ ભયંકર અનિશ્ચિત વાતાવરણ ઊભું કર્યું હતું. એને જાપાનીઝ સૈનિકોએ કેદ પકડી હશે? અને ...યુદ્ધમાં સ્ત્રીજાતિનું શું થાય છે એ હું જાણતો હતો. સતત સ્ત્રીને શોધતી સૈનિકોની બાવરી આંખોનો મને પરિચય હતો. યુદ્ધવીરો તરીકે પુજાતો એકેએક શસ્ત્રધારી નવરાશમાં કામાંધતાની જીવંત મૂર્તિ બની જતો. અને નિરુપમા જીવતી ન હોય તો? બંને વિચારો મને કંપાવી મૂકતા હતા !

એટલે નિરુપમાના સમાચાર હિંદની આઝાદીના સમાચાર સરખા જ મને પ્રિય લાગ્યા. અમને સહુને એમ લાગતું કે અમને કાં તો ફાંસી કે ગોળીબારથી દેહાંતદંડ મળશે. દેહાંતદંડમાં એક સુખ છે : અપરાધીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવે છે. મને જરૂર પૂછશે કે મારી છેલ્લી ઈચ્છા શી ? બેશક, નિરુપમાના મુખદર્શનની જ મને અંતિમ ઈચ્છા હોય ! નિરુપમાને નિહાળ્યા પછી હું સંપૂર્ણ સંતોષથી ફાંસીએ ચઢીશ કે ગોળીથી વધેરાઈશ ! બંદીખાનાનું જીવન આમ ઉત્સાહપ્રેરક નીવડ્યું.

પરંતુ મહાસભાની લડતને અંગે કે બ્રિટિશરોની ઉદારતાને પરિણામે ફાંસી કે ગોળીબારને સ્થાને અમને બંધનમુક્તિ મળી. પહેલામાં પહેલી ગાડી પકડી હું મારે ગામ અને મારે ઘેર પહોંચ્યો એ કહેવાની જરૂર ન જ હોય. અને પહેલી જ તકે હું નિરુપમાનું મુખ નિહાળીશ એ આશા અને ઉત્સાહમાં મારી લાંબી મુસાફરી સરળતાથી કપાઈ. સ્ટેશન આવતાં જ નિરુપમાને બદલે મેં એક વિરાટ ટોળું નિહાળ્યું : જેમાં મારા વડીલો, મિત્રો, ઓળખીતાઓ,