આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮ : કાંચન અને ગેરુ
 


'તો ઘુવડને કાંકરો કે પથરો મારશો નહિ.'

'કારણ ?'

'એમ કહેવાય છે કે એ કાંકરો ઘુવડ ચાંચમાં લઈ કૂવા કે તળાવમાં નાખે અને કાંકરો ગળતો જાય તેમ કાંકરો મારનારનું શરીર પણ ગળવા માંડે.'

અગાશીમાં જોરથી પાંખો ફફડી. હિંસક ઘુવડ બનતાં સુધી પાંખ ઉઘાડતાં જરા ય અવાજ થવા દેતું નથી. યુદ્ધસમયે જંગલોમાં દિવસે બાજ અને રાત્રે ઘુવડની ચર્યા ઘણી અનુભવી હતી; છતાં મને લાગ્યું કે ઘુવડ હવે ઊડી ગયું. નિરુપમાના હાથમાં મારો એક હાથ રહેવા દઈ બીજે હાથે મેં તેના સુંવાળા વાળને સ્પર્શ કર્યો, અને વેણીમાંથી નીચે પડેલા એક ફૂલને મેં ફરી વેણીમાં ગોઠવવા માંડ્યું. પ્રિયતમાની વેણીમાં ફૂલ ગૂંથવાની કલા મને સાધ્ય ન હતી. હું પ્રયત્ન કરતો હતો એવામાં જ ફરી ઘુવડનો ઘુઘવાટ સંભળાયો. મારા હાથમાનું ફૂલ પડી ગયું, અને એકાએક નિરુપમાનો હાથ છોડાવી હું ઊભો થયો, ખીંટીએ મૂકેલી મારા યુદ્ધજીવનના સ્મરણ–અવશેષ સમી બંદૂક મેં મારા હાથમાં લીધી અને કોઈ અપરિહાર્ય હિંસક ઊર્મિના મોજાથી ઘસડાઈ હું અગાશીમાં દોડી ગયો.

ગોળ અંગાર સરખી ચમકતી આંખોની આસપાસ એક જબરદસ્ત પક્ષીનો આકાર ઊઘડવા માંડ્યો. માનવીને જોતાં એ પક્ષીને કશો ભય લાગ્યો દેખાયો નહિ. તેણે ઊડી જવાનો પરિશ્રમ કર્યો નહિ. છાપરાની પાંખ નીચે ગૌરવપૂર્ણ અદાથી બેઠેલા એ પક્ષીએ લાલ આંખ વડે બેપરવાઈથી મારી સામે જોયું.

'હવે તારું આવી બન્યું. બોલજે ફરી ! ' કહી મેં બંદૂક તાકી. ફિલસૂફી શો નિસ્પૃહ અને નીડર પક્ષી ઘૂઘુ શબ્દોચ્ચારથી