આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રખવાળ


'એકોહં બહુસ્યામ્' એ ઈશ્વરસંકલ્પની જાણે સાબિતી મળતી હોય એમ એક વ્યક્તિ યુદ્ધ અને યુદ્ધ પછીના યુગમાં 'જુજવે રૂપે અનંત' સ્વરૂપ ધારણ કરી ડગલે ને પગલે આપણી નજર સામે આવ્યા કરે છે.

કઈ વ્યક્તિ?

કાંઈ પણ મિલકત હતી નહિ; એમાંથી નહિ નહિ તો ય બે પાંચ લાખની માલિકી એ વ્યક્તિની થાય જ થાય એ સહેજ વાત છે ! અને એકાદ લાખ હોય તેમાંથી પંદર-પચીસ લાખ કરનાર વ્યક્તિ મળવી એ પણ એટલું જ સહજ ! એ વ્યક્તિને ઓળખી? યુદ્ધે દુનિયાનું જે સારું બૂરું કર્યું હોય એ યુદ્ધ જાણે. એણે હિંદના વ્યાપારીને તો ફાલ્યોફૂલ્યો રાખ્યો છે. 'મરી ગયો, મરી ગયો'ની બૂમ મારતો મારતે એણે કૈંક ડૂબતા ધંધાઓને તાર્યા, તળિયાં દેખાતી કૈંક તિજોરીઓને છલોછલ ભરી દીધી અને કૈંક ઘરના બંગલા જ માત્ર નહિ, પણ મહેલ બનાવી દીધા ! ચીજભાવ નહોતી મળતી એમ સારી આલમમાં ઢંઢેરો પિટાયા છતાં !