આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રખવાળ: ૧૦૫
 


કિશોરલાલ અને મહાશ્વેતા સુખી જીવન ગાળતાં હતાં. મહાશ્વેતાને કિશોરલાલ સરખા સફળ ધનિક પતિ પ્રત્યે ઘણું ભારે માન હતું. મહાશ્વેતા સરખી રૂપવંતી પત્ની માટે કિશોરલાલના હૃદયમાં ઘણો પ્રેમ હોવા છતાં સમયના વહન સાથે એના પ્રદર્શનનું સ્વરૂપ બદલાયા કરે એ સાહજિક છે. શેઠ લાખ રૂપિયાની ધાપ જ્યારે જ્યારે મારી લાવે ત્યારે ત્યારે પત્નીએ તેમને માનપત્ર આપવું જ આપવું એમ કાંઈ બને નહિ. પત્ની જ્યારે જયારે નવરંગ વસ્ત્ર કે નવરત્નનાં આભૂષણ ધારણ કરે ત્યારે આખી સૃષ્ટિની ગતિ બંધ રાખી પતિ વસ્ત્રાભૂષણ નિહાળ્યા જ કરે એમ કાંઈ બને નહિ.

'આજે તેજીને સિતારો ચઢતો હતો.' કિશોરલાલ જમતાં જમતાં કદી મહાશ્વેતાને કહેતા.

નવી વીંટીના હીરાની ચમક નિહાળતાં મહાશ્વેતા પતિ સામે જોયા વગર કહેતાં : 'એમ કે ?'

'પણ તું સમજી ખરી કે તેજીએ આપણને શું આપ્યું તે?'

'શું આપ્યું ?' નવાં લૂગડાંઘરેણાં માટે નવું સાધન ઊભું થયાના ઉત્સાહમાં મહાશ્વેતાએ પતિ સામે જોયું.

'પચાસ હજાર રોકડા.'

'એમ? તો હું નવું બ્લાઉઝ પહેરું અને આપણે સિનેમા જોઈ આવીએ.' રસપૂર્વક મહાશ્વેતાએ કહ્યું.

'શું તને પણ સિનેમા જોવાનો શોખ છે? આજ તો એકે સારું ચિત્ર નથી.' કિશોરલાલે કંટાળીને કહ્યું. તેમને સિનેમા જેવી ચળ વસ્તુ કરતાં વધારે ધન કાર્ય કરવાનું હતું.

'જેવું હોય તેવું ખરું...' પત્નીનો ઉત્સાહ વધ્યે જતો હતો.

'અરે, મારામારીનાં ચિત્ર જ બધે છે.' પતિએ ઉત્સાહ ઠંડો પાડવા કહ્યું.

'તમને ખબર નથી ! તો મારામારીનાં ચિત્રો સિવાય બીજાં ચિત્રો ગમતાં જ નથી ! બહુ મઝા આવે છે...'