આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬ : કાંચન અને ગેરુ
 


'શી નાનાં છોકરાં જેવી વાત કરે છે?'

‘હું સાચું કહું છું.'

'તો તું એકલી જા ને આજે? મારે છેલ્લી ટપાલ લખવી છે.'

પત્ની એકલી જતી પણ ખરી અને કિશોરલાલ ટપાલ લખતા પણ ખરા. પરંતુ ટપાલ લખ્યા પછી તેઓ પણ બહાર નીકળી જતા–ક્યાં તે કહેવાની જરૂર નથી ! બન્ને રાત્રે પાછા આવી સૂતાં ત્યારે તેઓ એકમેકને ઓળખતાં પણ ન હતાં ! મહાશ્વેતાની કલ્પનામાં મારામારી કરતાં મજબૂત ગુંડાઓ અને વીરો રમ્યા કરતા; કિશોરલાલની કલ્પનામાં દારૂ પી મસ્તીએ ચઢેલી ગોરીકાળી વારાંગના અને ટેલીફોનમાં ‘આપ્યા લીધા’ના ઉચ્ચારણની ભ્રમણા, રમ્યા કરતાં.

સવારમાં ચા પીતાં પીતાં કિશોરલાલ હસતાં હસતાં સિનેમાની કથાની વિગત મહાશ્વેતા પાસે માગતા.

'શી ઘોડેસવારની ઝડપ ! પેલીને ઊંચકી. બદમાશો સંતાડે તે પહેલાં તો મારતે ઘોડે આવી એણે એને બચાવી...પછી બન્ને વચ્ચે પ્રેમ થાય જ ને?... હાં તમને ઘોડે બેસતાં આવડે ખરું કે ?' મહાશ્વેતા પૂછતી.

'આ મોટરકારના યુગમાં તે કોઈ ઘોડે બેસે ખરું? ' કિશોરલાલ પ્રશ્નની હાંસી કરતા.

'કેમ? શરતના ઘોડા માટે તો આપણે કૈંક વાર ગયાં છીએ ! કેવું સરસ પેલા જોકી બેસે છે !'

'એ તો ધંધાદારી.'

'ક્યો ધંધો સારો ?'

'કોઈ ધનવાન શ્રેષ્ઠીની પત્ની બનવાનો !' કિશોરલાલ કોઈ કોઈ વાર ચબરાકીભરી મશ્કરી કરી શકતા હતા.