આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રખવાળ : ૧૦૯
 

'લશ્કરી પોશાકમાં? તને આ ઉંમરે આવી ઘેલછા ક્યાંથી ઊપડી છે?' કિશોરલાલનાં બીજાં પત્ની તરીકે પણ મહાશ્વેતાની ઉંમર હવે છેક નાની ન હતી; જો કે પચાસ ઉપર પહોંચી ગયેલા દેખાતા ગુજરાતી ધનિકને લશ્કરી પોશાક પહેરવા કહેવું એમાં જરૂર ઘેલછા રહેલી છે ખરી ! ગુજરાતી ધનિક નેતાને તો પચીસ વર્ષે પણ લશ્કરી લેબાસ ભારે જ પડે !

'હું પણ છબી પાડતાં શીખું.' મહાશ્વેતાએ કહ્યું.

નાનાં બાળકોની વિચિત્ર માગણી સાંભળી ઠરેલ પુરુષોને હસવું આવે એમ મહાશ્વેતાની માગણી સાંભળી કિશોરલાલ હસ્યા. પરંતુ જોતજોતામાં એક સારો કૅમેરા અને શીખવનારો ફોટોગ્રાફર આવી પહોંચ્યા.

એટલું જ નહિ, બુશકોટ અને પાટલૂન સાથેની કિશોરલાલની એક છબી પણ આવી પહોંચી. પરંતુ બુશકોટમાંથી ઠેકઠેકાણે બહાર પડી આવતી કિશોરલાલની સ્થૂળતાને છબી પાડનાર કલાકાર બહુ ઢાંકી શક્યો નહિ.

છબીઓનો ખર્ચ વધવા માંડ્યો. બાળકોની, ઘરની, બગીચાની, ઓરડાની, નોકરોની એમ સારી ખોટી છબીઓના ઢગલા મહાશ્વેતાના મેજ ઉપર થવા લાગ્યા. પરંતુ એ ઢગલામાંથી ચૂંટાયલી આલ્બમ લાયક બની આલ્બમમાં ગોઠવાયેલી છબીઓમાં સૈનિક સરખો પહેરવેશ ધારણ કરતા ઘરના રખવાળની છબી પણ હતી !

એક દિવસ આલબમ કિશોરલાલની નજરે ચઢી ગયું ! પહેરાવાળા પઠાણની જુદી જુદી બીજી છબીઓ પણ મોટા પ્રમાણમાં દેખાઈ. મહાશ્વેતા ક્યારે, શા માટે આવી છબીઓ પાડતી હતી ? લશ્કરી પોશાકના આકર્ષણની પાછળ બીજું કાંઈ આકર્ષણ જાગૃત થાય તો?—અરે, થઈ ચૂક્યું હોય તો ?

ગ્રહ અને ગૃહિણી બદલની ગંભીર વિચારણા તેમને તે દિવસથી શરૂ થઈ. પતિ ફાવે તે કરે પરંતુ પત્ની તો સતી તરીકે જ રહે એવી