આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ : કાંચન અને ગેરુ
 

આશ્લેષાએ કહ્યું.

'તું જાણે છે કે હુ ઠંડી ચા પીઉં છું... જો—

સુવર્ણરંગ્યા પગલે રમંતી !
વિદ્યુત જો ચીરતી મેઘહૈયું...'

ચા કરતાં કવિતા સુનંદને વધારે માનીતી હતી.

'ઘણી સરસ કલ્પના છે. જ્યાં વીજળી અને વરસાદ વધારે હોય ત્યાં જ આ કલ્પના આવી શકે. ચેરાપુંજીનાં લોકગીત મંગાવને?'

'લોકગીતમાં એ કલ્પનાનો સંભવ નથી. જરા ઊંચા સંસ્કાર એ કલ્પના માગે.'

`સુનંદ ! તું ધારે છે તેના કરતાં લોકો વધારે રસિક હેાય છે.`

`શા ઉપરથી ?'

`તારી કવિતા નહિ તો આટલી વંચાય કેમ?..ચા નવી મૂકી આવું?`

કવિની કલ્પનાને ચાની ભાગ્યે જ પરવા હોય છે. ભૌતિક ખટરસ કરતાં માનસિક નવરસ ઓછા સ્વાદિષ્ટ ન જ કહેવાય. એ તફાવત કવિ જ સમજે.

* * *

`સુનંદ ! આજે ચાંદની બહુ સરસ છે.` આશ્લેષાએ કહ્યું.

`હું તેનું જ એક ગીત રચી રહ્યો છું. સાંભળ....`

`એના કરતાં આપણે જરા બહાર નીકળી ચાંદનીમાં નાહીએ તો?`

વાહ, તને અને મને સરખો જ ભાવ આવ્યો. જો....

ચંદન ઘોળ્યા કો તેજસાગરે,
તરતી ચંદાનો દેહ ઊતર્યો જી રે !
સાગરમાં વસ્ત્રો સરી ગયાં...'

'શું તમે પુરુષો છો ! તમારી કલ્પના યે વિષયવાસનાથી ભરેલી. ચંદ્રમાં યે સ્ત્રીત્વ કલ્પી દેહને વિચારવાનો ! તારા જેવો કવિ હોય તો દુનિયાની સ્ત્રીઓને બુરખો જ ઓઢવો પડે ને?'