આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલહત્યા : ૧૧૭
 

ચાલતો થયો; તત્કાળ સારવારની એ બાઈને બહુ જરૂર હતી; એકાદ દયાળુ પરિચારિકાની નજરે તે ચડી ગઈ; એણે એને ઊંચકી ખાટલે સુવાડી અને સ્ત્રી ડૉક્ટરને તત્કાળ આવવાની વિનતિ કરી; સ્ત્રી ડૉક્ટર પણ લાંબા વૈદકીય વ્યવસાયથી રીઢી બનેલી ન હોવાથી માયા અને મીઠાશ હજી સુધી સાચવી શકી હતી; તેણે તુરત આવી પરિચારિકાઓની મદદથી બાળકનો પ્રસવ કરાવ્યો; અતિ કષ્ટ સહન કરી રહેલી એ સ્ત્રીએ એક અરેકારો પણ ન કર્યો; અને બાળકને સાફ કરી હોંશપૂર્વક માતા પાસે મુકતાં બરોબર એક વાઘણની ક્રૂરતા મૂખ ઉપર લાવી એ બાઈએ પોતાનો દેહ ઊંચકી બાળકને ગળે આંગળીઓ દબાવી તેને મારી નાખ્યું ! બાઈ ખાટલામાં પાછી પડી; એના દેહે તાણનો અનુભવ કર્યો; મુખ્ય ડૉક્ટરને ખબર મોકલાવતાં તેઓ આવ્યા, અને પોલીસને ખબર આપી; પોલીસે આવીને તપાસ કરતાં એ બાઈ ફરી મૂર્છિત બની. સહુની આગળ એ બાઈ ગુનો કબૂલી લેતી હતી; પોતાની ઓળખાણ કે પોતાના બચાવ માટે એ તદ્દન ઉદાસીન હતી. આ બધી જુદી જુદી વ્યક્તિઓ દ્વારા અપાયલી હકીક્ત તેણે દૃઢતાપૂર્વક સાંભળી બાળકનું ગળું દાબી મારી નાખ્યાનું વર્ણન આપતાં પરિચારિકા અને સ્ત્રી ડૉક્ટર બન્ને અશ્રુભીનાં બન્યાં, પરંતુ બાળકના ખૂન માટે માતાને દૂષિત કરાવવા જે ન્યાય પ્રયોગ ચાલતો હતો તેમાં માતાએ એકે ક્ષણે આંસુનું એકે બિંદુ પણ ટપકવા ન દીધું. એની તરફેણના વકીલને લાગ્યું કે ભાનસાન વગરની આ બાઈ ગુનો કબૂલ કરતી હોય છતાં પોતાના કૃત્ય માટે જવાબદાર નથી એમ પુરવાર કરવું સહેલું થઈ પડશે.

પરંતુ બાઈની જુબાની...જવાબ લેવાનો પ્રસંગ છેક છેલ્લે આવ્યો અને વકીલની એ શ્રદ્ધા ધટી ગઈ. ગુનાની કબૂલાત કરતી વખતે તેણે કારણ છેલ્લે કહેવા જણાવ્યું હતું એટલે ગુનેગારની ઈચ્છાનુસાર તેને કારણ જણાવવાનું કહેવામાં આવ્યું. નામદાર ન્યાયાધીશે જવાબની નોંધ લેતાં પૂછયું : 'બાઈ ! તમારું નામ શું ?'