આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ : કાંચન અને ગેરુ
 


'મારું મુસ્લિમ નામ ખદીજા અને હિંદુ નામ પાર્વતી... એક પયગંબરની પત્નીનું નામ, એક મહાદેવની પત્નીનું નામ.' બહુ સ્પષ્ટતાપૂર્વક સહુને ચમકાવતો જવાબ બાઈએ આપ્યો.

'બાપનું નામ?' પ્રશ્ન આગળ વધ્યો.

'બાપનું નામ બોળાઈ ગયું.'

આખો સમુદાય શાંત તો હતો, પરંતુ હવે હતો એથી યે વધારે શાંત બની ગયો. અદાલતના અમલદારે જરા મૂંઝવણ અનુભવી અને ન્યાય સરળ બને એ અર્થે કરડાકીમાં પૂછયું: 'બાઈ ! એમ નહિ ચાલે. પ્રશ્નોના સીધા જવાબ આપવા એ તમારા લાભની વાત છે.'

'હુ જરૂર જવાબ આપીશ.’

'ઉડાઉ જવાબ નહિ આપો તો ચાલશે.'

'હું જવાબ આપું તે લખી લો. પછી મને કહેજો કે મેં જવાબ ઉડાઉ આપ્યા.

'તમારી ઉંમર કેટલી ?'

'પચીસેક વર્ષ થયાં.'

'સહુને લાગ્યું કે બાઈ હવે સીધા જવાબ આપશે. '

'તમારો ધર્મ કયો !'

'હું ધર્મમાં માનતી નથી.'

'કારણ?'

'માનવીનો એકેએક ધર્મ અધર્મ બની ગયો છે માટે.'

'ક્યાંના રહેવાસી ? '

'કલકત્તાથી શરૂ કરો. પછી નોઆખલી, ગઢમુકતેશ્વર, પંજાબ અને સરહદ; બધે હું રહી છું.'

'અત્યારે ક્યાં રહો છો?'

'તમારું રાજ્ય રાખે ત્યાં.'

'બોલો, ઈશ્વરને માથે રાખી સાચું જ કહીશ...જોકે સોગન ઉપર કાંઈ પણ કહેવાની તમારે માથે ફરજ નથી.'