આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ : કાંચન અને ગેરુ
 

તેનો દિગ્‌વિજય થયો.

અત્યાચારની આ પરંપરાએ તેને બાળક આપ્યું ! પશુતા, શયતાનિયત, હેવાનિયતના પરિણામે પ્રાપ્ત થયેલું બાળક કેમ કરીને જીવતું રખાય? કોને માટે જીવતું રખાય ? એને જીવંત રાખી શું શું યાદ કરવાનું ! ખરું જોતાં એ બાળકની ગરદન મરડી એ બાઈએ સર્વ અત્યાચારીઓની ગરદન મરડી નાખ્યાનો ક્રૂર સંતોષ મેળવ્યો હતો.

'મને નથી લાગતું કે મેં કશો ગુનો કર્યો હોય. સાહેબ ! ન્યાયાસને આપ બેઠા છો ! પાકિસ્તાન અને હિંદુસ્તાનનાં રાજરમકડાં બનાવી પ્રધાનો રાજ્યાસને બેસી ગયા છે ! આપને અને એ પ્રધાનોને હું એમ પૂછું છું કે આપની કે એમની સગી બહેન, પત્ની કે પુત્રી હોત તો ?' કથની પૂરી કરતાં પેલી સ્ત્રીએ પૂછ્યું.

અવાક્ બનેલી અદાલતને મરતી મરતી થોડી વારે વાચા આવી. ન્યાયાધીશે મુખ બાજુએ ફેરવી ધીમેથી કહ્યું : 'એવી બહેન, પત્ની કે પુત્રી જીવતી ન રહે એમ હું ઇચ્છું.' ન્યાયાધીશનો નીતિઘમંડ કદી ઊતરતો જ નથી.

'આપે સાચું કહ્યું ! મેં મારા બાળકને કેમ માર્યું એનો આપે જ જવાબ આપ્યો ! હુ પણ કોઈની બહેન, પત્ની કે પુત્રી રહી નથી ! ન્યાયની પણ નહિ અને રાજ્યની પણ નહિ. માટે જ મેં મારું સાચું નામ અદાલતને આપવાની આનાકાની કરી છે. આથી મારા સરખી મા પણ કઈ બાળકને ન હજો ! નહિ ?'

'તો પણ આ તો તમે બાળકને માર્યું ! નિર્દોષ... '

'નિર્દોષ ?...હં...! મારે મરવું જોઈએ, ખરું ને? જે પ્રદેશના પુરુષ સ્ત્રી ઉપરના અત્યાચાર જોઈ, વાંચી–વાંચી, સાંભળી જીવતા રહે અને..વળી પાછા નીતિ ન્યાયની ખુરશી ઉપર બેસી શકે, એ પ્રદેશની સ્ત્રીઓએ જરૂર મરવું જ રહ્યું. આપ હવે મને ઘટતી સજા–ફાંસી આપો, અને સજા આપ્યા પછી મને કહેજો કે મને પુરુષ