આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨૮ : કાંચન અને ગેરુ

તરીકે એટલામાં તેના પિતા જ ઓળખાતા હતા. તેના પિતા, તેની માતા, તેનો ભાઈ, તેની પ્રિય પત્ની લજજા, સહુ તેની આંખ આગળ તરવરી રહ્યાં. તેમનું શું થયું હશે એનો સ્પષ્ટ વિચાર કરવા જેટલી પણ સ્થિરતા તેના મનમાં રહી નહિ. અંતે દોડીને તે સ્ટેશન ઉપર આવ્યો. સ્ટેશને ખબર પડી કે એ બાજુની ગાડી જ બંધ છે – અને જે ગાડી જાય છે તેમાં માત્ર સૈનિકો જ જાય છે. તેણે સ્ટેશન અધિકારીને વર્તમાનપત્ર બતાવી કહ્યું : 'મારા કુટુંબ ઉપર આફત છે. મને જવા દો !'

'આફત ભલે હોય. કોઈને જવા દેવાનો હુકમ નથી.'

સ્વાતંત્ર્ય સાથે સભ્યતા આવી પૂનમચંદને દેખાઈ નહિ; આગગાડીના વહીવટમાં તો નહિ જ. યોગ્ય પુરસ્કાર આપતાં હિંદમાં હુકમ વગર પણ ગાડી મળી શકે છે એની પૂનમચંદને હજી ખબર ન હતી.

તેણે મોટરકાર અને ઘોડાગાડી માટે પૃચ્છા કરી. એ બાજુએ કોઈથી જઈ શકાય એમ હતું નહિ. કાર અગર ગાડી તેને મળી નહિ; તેણે પગે ચાલવા માંડ્યું. પલ્લો લાંબે હતો. દિવસરાતનું તેને ભાન રહ્યું નહિ. રસ્તામાં તેને રોકવામાં આવ્યો, ટોકવામાં આવ્યો, છતાં તેણે આગળ ચાલવા જ માંડ્યું. રસ્તામાં ત્રાહિ ત્રાહિ પોકારી ગયેલાં સ્ત્રી-પુરુષ-બાળકનાં ટોળાં તેને મળ્યાં; તેમણે તેને આગળ વધવાની ના કહી. કોઈ ઓળખીતું પણ તેને મળ્યું હશે. પરંતુ તેને કશું જ ભાન રહ્યું ન હતું, કોણે શી વાત કરી, કોણ શા માટે રોકતું હતું, એ કશાની તેને ગમ પડી નહિ. એને હૃદયનું ખેંચાણ એનું કુટુંબ અને એનું ઘર હતું. અત્યારે એ બીજી કોઈ સૃષ્ટિમાં જીવતો જ હતો.

ટોળાં અને ટોળાં તેને મળ્યે જતાં હતાં. એ બધાં ભાગી આવતાં હતાં એનું જરા ય ભાન એને ન રહેવા છતાં એને આછી આછી સમજ તો પડી જ કે આસપાસ કાંઈ ભયંકર ઉત્પાત ચાલી