આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઝેરનો કટોરો : ૧૨૯

રહ્યો છે. એ સમજે તેના પગને વધારે વેગ આપ્યો, અને થાકનું વિસ્મરણ કરાવી દીધું. તે ચાલતે ચલતે પોતાને ગામ આવ્યો.

ગામ જાણે અજાણ્યું હોય એવો તેને ભાસ થયો. થોડાં દૂબળાં ઢોર ફરતાં હતાં; કૂતરાં ભસતાં હતાં, લઢતાં હતાં અને હાડકાં ચાટતાં હતાં. સમડી એકાંત આકાશમાં ઉડી નીચે ઝંડપ મારી પાછી આકાશમાં ઊડી જતી હતી. ઝુંપડાં કેટલાં ય બળી ગયાં દેખાયાં. થોડાં જ મકાનો મોટાં કહી શકાય. તેમાંથી પણ ધુમાડા નીકળતા હતા. કોઈ માનવી દેખાતું ન હતું.

ગામમાં કોઈ હિંદુ પણ નથી અને મુસલમાન પણ નથી. પૂનમના મનમાં વિચાર આવ્યો. તેણે પોતાના મકાનનો માર્ગ લીધો અને મકાન પાસે આવતાં જ તેના હૃદયે એક ધબકારો ગુમાવ્યો. કદાચ બીજો ધબકાર હૃદયમાં જાગત પણ નહિ ! છતાં ઘર જોવા માટે હૃદય પાછું ધબક્યું.

એ શું તેનું જ ઘર હતું ?

એનાં મોટાં દ્વાર ક્યાં ગયાં ? હા, એક દ્વાર દૂર કુહાડાના ઘાની સાક્ષી આપતું પડ્યું હતું, અને બીજું દ્વાર અડધું બળી આપોઆપ હોલાઈ ગયું હતું ! ઘર બળ્યાની અને લૂંટાયાની એંધાણીઓ હવે એણે ચારે પાસ દીઠી. ઉપર, નીચે, ચારે પાસ તેણે નજર નાખી. એને ખાતરી થઈ કે હિંદના મુસ્લિમોએ મેળવેલા સ્વરાજ્યનો તે જરૂર ભોગ બન્યો છે ! તેનાં ઘરબાર અને તેની મિલકત લુંટાઈ ગયાં હતાં.

પરંતુ ઘરબાર અને મિલકત કરતાં પણ વધારે મોંઘાં તેનાં માતા પિતા, તેનો નાનો ભાઈ અને તેની પત્ની ક્યાં હતાં ? પૂનમે ઘરમાં પ્રવેશ કર્યો. અસ્તવ્યસ્ત બનેલા ઘરની ભીંત ઉપર, પથ્થર ઉપર, તેણે રૂધિરના છાંટા જ નહિં—એકબે સ્થળે તો રૂધિરના રેલા