આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ : કાંચન અને ગેરુ
 

ઊર્મિ ઊછળતી ચાલી અને એની લિખિત ફૂલરાણી થોડી વારમાં એક પુષ્પનું પ્રદર્શન બની ગઈ.

'જો આશ્લેષા ! આ વર્ણન સંભળાવું.' કહી સુનંદે બાજુની ખુરશી ઉપર જોયું. આશ્લેષા ત્યાં ન હતી,

'અરે એટલામાં ક્યાં ચાલી ગઈ ? ચાલ, હું ફૂલરાણીના પ્રિયતમ પુષ્પકનું મિલન લખી કાઢું.'

પુષ્પકનું વર્ણન અને તેના મિલનનો પ્રસંગ પૂરો થતાં પહેલાં કવિ સુનંદ કંટાળી ગયો. મહાકવિઓ પણ કૈંક વાર લેખ લખતાં– કવિતા લખતાં કંટાળે છે એ ભૂલવું ન જોઈએ. વળી પુરુષનું વર્ણન સ્ત્રીના વર્ણન સરખું વિસ્તૃત, પ્રલંબ, ભરચક, સૂચક અને રોચક બની શકતું નથી. આશ્લેષાને શોધતો સુનંદ આશ્લેષાના શૃંગારખંડમાં ગયો. આશ્લેષા એક આયના સામે ઊભી ઊભી પોતાના દેહ ઉપર ધારણ કરેલા પુષ્પશણગાર તોડતી હતી.

'શું કરે છે, આશ્લેષા ?'

'પુષ્પઆભૂષણ તોડી નાખું છું.' કહેતાં કહેતાં કમરેથી પુષ્પકટિમેખલા તોડી ઢગલો કરેલાં પુષ્પોમાં આશ્લેષાએ ફેંકી.

'કારણ આ ઘેલછાનું ?'

'તને જીવંત ફૂલરાણી ગમતી નથી!'

'કોણે કહ્યું તને ?'

'તેં.'

'મેં? ભૂલ થાય છે. કદાચ તને જોઈને જ ફૂલરાણીનું ચિત્રણ મને સ્ફૂર્યું હોય.

'જુઠ્ઠો !'

'કેવી રીતે ? '

' તારી ફૂલરાણી ચીતરતી વખતે મારી સામે એક પલક પણ તેં માંડી ન હતી !'

આશ્લેષાની હકીકત સાચી હતી. સુનંદ જોતો રહ્યો અને