આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ : કાંચન અને ગેરુ
 

'હજી મકાનમાંથી કાંઈ મળી આવે છે તે લેવા રહ્યો છું !' તમને જોયા એટલે...!

'મને મુસલમાન બનાવવા તું મારી પાછળ આવ્યો; નહિ ?'

'માફ કરો. મને જનોઈ આપો...'

'લો, આ જનોઈ !'

પૂનમચંદે ઈબ્રાહીમની છાતીમાં અત્યંત બળપૂર્વક કટાર ખોસી દીધી અને તરફડતા તેના દેહને નિહાળી તેણે એક ભયંકર અટ્ટહાસ્ય કર્યું. તેના હૃદયબંધન તૂટી ગયાં. શૂન્ય પડી ગયેલા તેના મસ્તિષ્કમાં એકાએક જીવન જાગ્યું, એ જીવનમાંથી દયા-નમ્રતા ઊડી ગયાં. એને એક જ ધ્યેય દેખાયું : દુનિયાભરને અમુસ્લિમ બનાવવી !

ઝગમગી રહેલા એ આદર્શે તેને યુક્તિ સુઝાડી. લુચ્ચાઈનો પરિચય કરાવ્યો. પ્રતિજ્ઞાભંગને સાહજિક બનાવ્યો અને પોતાની આસપાસ હિંદુઓનું એક ગુપ્ત સંગઠ્ઠન પણ શક્ય બનાવ્યું— જે સંગઠ્ઠન દ્વારા તે ઈસ્લામી વિભાગોમાં જઈ ઇસ્લામીઓની કતલ કરવા લાગ્યો, અને ઇસ્લામી સ્ત્રીઓનાં અપહરણ કરી શૂન્ય બની ગયેલા ગામમાં લાવી તેમને પોતાનાં હિંદુ સંગઠ્ઠન સાથીઓમાં વહેંચવા લાગ્યો.

પૂનમચંદનું ભણતર, પૂનમચંદની દેશસેવા, પૂનમચંદની માણસાઈ અદ્રશ્ય બની ગયાં. તેના નામનો ત્રાસ આસપાસની ઈસ્લામી વસ્તીમાં ફેલાઈ ગયેા. પોલીસ અને મિલિટરીને મેળવી લેવાની અગર તેમને પણ ધાકમાં રાખવાની કળા તેને સહજ આવડી ગઈ. તેની ક્રૂરતાએ એવો કાંઈ પલટો લીધો કે મુસ્લિમ સ્ત્રીઓનાં અપહરણમાં તેને પોતાના આદર્શની વિશેષ સિદ્ધિ થતી લાગી. તેણે પોતાના ગામને ફરી હિંદુઓથી વસાવ્યું, આસપાસ ગામો પણ વસાવ્યાં, સારું સંગઠ્ઠન ઊભું કર્યું અને પાસેના પ્રદેશમાંથી ઈસ્લામી સ્ત્રીઓનાં હરણ કરવા માંડ્યાં. પછી તો તેના ધસારા આઘેના પ્રદેશ સુધી પહોંચ્યા. ભોળવીને, ફોસલાવીને, લાલચ આપીને, ધમકાવીને, બળજબરી કરીને પૂનમચંદની ટોળી ઈસ્લામી સ્ત્રીઓને ગુપ્ત