આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : કાંચને અને ગેરું
 

એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની તેનામાં ભયંકર આવડત આવી ગઈ. ધર્મરક્ષા સાથે આ કાર્યમાં એણે પણ ધન દેખવા માંડ્યું. ધન લાવે એવું કાર્ય ઝડપથી ધર્મકાર્ય બની જાય છે.

એક રાતે તેને બાતમી મળી કે પરહદના એક ગામની મોટી મુસ્લિમ ટોળી એક હિંદુ ગામ ઉપર ધસી જઈ ત્યાંની સ્ત્રીઓને ઉપાડી જવા નીકળી ચૂકી છે. એણે પોતાની વીર ટોળી તૈયાર કરી. હિંદુ ગામના રહીશોને સલામત જગાએ સ્ત્રીઓ મૂકી આવવા ખબર મોકલી અને પોતાની ટોળી લઈ, તે મુસ્લિમ ગામ ઉપર છૂપો હલ્લો લઈ ગયો. એ ગામના યુવાન અને સશક્ત મુસ્લિમ અપહરણ માટે હિંદુ ગામ ઉપર ધસારો લઈ ગયા હોવાથી ગામમાં હિંદુ વર્ગનો સામનો કરે એવો પુરુષવર્ગ હતો જ નહિ. સામે થનાર વૃદ્ધો કે કિશોરોને ઝબ્બે કરી શકાય એમ હતું. એટલે તલવારની ધારે અને બંદૂકની ગોળીએ ગામની બધી જ સ્ત્રીઓને મોટરોમાં ભરી અત્યંત ઝડપથી બિનજરૂરી સ્થળોએ જઈ રાત્રિ રહ્યાની ખોટી સાહેદી ઊભી કરી પૂનમચંદ પ્રભાત થતાં પહેલાં તો પોતાને ગામ આવી ગયો. આજની જેટલી સહેલાઈથી આટલી બધી જ સ્ત્રીઓ અત્યાર સુધી તેને હાથ લાગી ન હતી. આજે તેના હૈયામાં આનંદ હતો. પોતાને કુટુંબના ખૂનનો તે આજ બરાબર બદલો લઈ શક્યો હતો એવો સંતોષ તેના મનને હળવું બનાવતો હતો. બુરખાવાળી સ્ત્રીઓના બુરખા ખોલાવી બધાંયને પવિત્ર ગંગાજળ પાઈ તેમને ચાંલ્લો કરી હિંદુ ઢબનાં કપડાં અપાય, અને પુરુષોની પસંદગી પ્રમાણે સ્ત્રીઓને પરણાવી દેવાય, એવી ઝડપી સગવડ તેણે રાખી હતી. આ કાર્ય કરવા અર્થે તેણે બ્રાહ્મણો પૂરતા પ્રમાણમાં મળી ગયા હતા; ને ઇસ્લામ ધર્મ પેઠે ચાર સ્ત્રીઓ પરણવાની મર્યાદા હિન્દુ ધર્મ સ્વીકારેલી ન હોવાથી સ્ત્રીઓને ફાવે ત્યાં ફાવે તેટલી સંખ્યામાં પરણાવી દેવામાં કશી હરકત