આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા : ૭
 

આશ્લેષાએ દેહ ઉપરથી એકેએક પુષ્પ દૂર કરી નાખ્યું - જાણે તે જોગણની સાદાઈ સજતી ન હોય?

* * *

અતિબારીક, અતિસુઘડ, અત્યંત મોહક, આછાં વસ્ત્ર પહેરી- વિખેરી આશ્લેષા પલંગ પર સૂતી હતી. સુનંદ રાતના અગિયાર વાગ્યે વાર્તાનું એક પ્રકરણ પૂરું કરી આવ્યો. આશ્લેષાએ આંખ મીંચી દીધી અને નિદ્રાનો અભિનય કર્યો. પ્રિયતમાની નિદ્રા સાચી હોય જ નહિ એ મૂર્ખમાં મૂર્ખ પ્રેમી પણ જાણે ! અને સાચી હોય તો ય તે નિઃશંક જગાડવાપાત્ર નિદ્રા જ હોય ! મહર્ષિઓને પણ મોહ ઉપજાવે એવું નિદ્રિત પદ્મિનીનું સ્વસ્થ, આકર્ષતું શયન ક્ષણભર સુનંદ નિહાળી રહ્યો.

'આશ્લેષા તો સૂઈ ગઈ છે. લાવ, એક નવું પ્રકરણ શરૂ કરી દઉં.' કહી સુનંદ પાસે પડેલાં ખુરશીમેજ ઉપર બેસી ગયો, અને તેણે વાર્તાનું એક નવું પ્રકરણ લખવા માંડ્યું. પ્રકરણમાં નિંદ્રિત સુંદરીનું જ વર્ણન લખાઈ રહ્યું હતું, અને એ વર્ણનને સત્ય, આબેહૂબ,વાસ્તવતાભર્યું બનાવવા સુનંદ વારંવાર આશ્લેષા તરફ જોતો પણ હતો.

આશ્લેષાએ પાસું બદલ્યું. સુનંદને ચિત્રની બીજી સુંદર બાજુ મળી. રાતનો એક વાગ્યો, અને સુનંદનું પ્રકરણ પણ પૂરું થયું. હસ્તલિખિત પુસ્તકનાં પાનાં ગોઠવીને સુનંદે મૂક્યાં; પોતાની વહાલી 'પેન' ને પણ ઠેકાણે મૂકી; દીવો હોલવી નાખ્યો; અને તે શયનાર્થે પર્યંક ઉપર ગયો. આશ્લેષા મુખ ફેરવીને પલંગની ઈસ ઉપર સૂતી હતી. તે જાગતી હતી છતાં તેણે નિંદ્રિત હોવાનો ઢોંગ કર્યો. સુનંદે એ ઢોંગને સત્ય માન્યો. એને પોતાને પણ ખૂબ નિદ્રા આવતી હતી. વાર્તાની સુષુપ્ત નાયિકાને જગાડવા માટે કયા કયા ઉપચારો કરવા તેની યાદી ઘડતો ઘડતો સુનંદન પોતે નિદ્રાવશ બની ગયો.

વહેલી સવારે સુનંદની આંખ ઊઘડી. તેણે આશ્લેષાને અડકવા