આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : કાંચન અને ગેરુ
 

નહિ એ જુદો પ્રશ્ન છે. માબાપે તો ઉગ્રતા દર્શાવી અને કુમાર તથા કુસુમ બન્ને માતાપિતાનું ઘર છોડી ચાલી નીકળ્યાં. એ પણ ઉગ્ર માબાપનાં જ સંતાન હતાં.

બંને ભણેલાં હતાં. શિક્ષકની નોકરી ત્યારે સહુને સરળતાપૂર્વક મળે એવી ગણાતી હતી. અમારા શહેરમાં બંનેને નોકરી મળી અને મેં તેમને રહેવા માટે ઘર પણ આપ્યું. તેમનો આછો ઇતિહાસ મેં સાંભળ્યો, અને મને તેમના પ્રત્યે સહાનુભૂતિ ઊપજી. માબાપની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર પ્રત્યે માબાપ સિવાય સહુને સહાનુભૂતિ ઊપજે છે. ગાંધર્વ લગ્નમાં માબાપ જ દુષ્ટ, ખલ, ત્તિરસ્કારપાત્ર ભાગ ભજવનાર બની રહે છે !

કુમાર અને કુસુમ બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતાં છતાં પ્રેમલગ્ન કરવામાં કલ્પાતી અમર્યાદા, ઉદ્ધતાઈ, કે પ્રદર્શનશોખ તેમનામાં સહજ પણ દેખાયાં નહિ. 'અમે પ્રેમલગ્ન કર્યા છે ! એ ખાતર અમે દુ:ખ સહન કર્યું છે ! અમને નિહાળી અમને માન આપો ! અમને સલામ કરો !' એવી કોઈ અબોલ વાણી તેમના વર્તનમાં કે વાતચીતમાં સંભળાતી નહિ. ઊલટી એક પ્રકારની કુલીન લજ્જા બન્નેના વર્તનમાં સ્પષ્ટ થતી હતી. હાથ ઝાલીને ફરવું. એકબીજાનાં નામ દઈ સગર્વ પરસ્પર સંબોધન કરવું, ઉછાંછળાં લગ્ન કર્યા માટે પોશાક પહેરવેશમાં પણ વિચિત્ર સ્વાતંત્ર્ય દાખલ કરવું મોટેથી હસવું. ઘડી ઘડી મનાવા માટે રિસાવું. એવા એવા મુક્ત પ્રેમી ઓના પ્રેમપ્રયોગો પણ તેમના જીવનમાં દેખાયા નહિ. ઊલટી જૂની ઢબનાં યુગલને અદેખાઈ આવે એવી સાદાઈ અને સભ્યતાથી રહેતાં કુમાર અને કુસુમે શાળામાં જ માત્ર નહિ, પરંતુ આખા પડોશમાં સહુનો સદ્દભાવ જીતી લીધો. મારા ઘર સાથે તો એક કુટુંબની માફક તેઓ ભળી ગયાં. બે ત્રણ દિવસે હું તેમને મારી સાથે જમવા બોલાવતો; અને કુમાર તથા કુસુમ પણ સામેથી મારા ઘરનાં બાળકોને બોલાવી જમાડતાં, રમાડતાં, ભણાવતાં