આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ : કાંચન અને ગેરુ
 

ચીંધી. મારી પત્ની પણ સમાચાર વાંચી સ્થિર, જડ બની ગઈ. નાના ભાઈ-ભોજાઈ તરીકે સાથે રાખેલાં કુમાર તથા કુસુમ બન્ને નદીમાં ડૂબી મરણ પામ્યાં, અને એ અસહ્ય દુઃખ નજરે જોનાર તેના પિતાનું પણ હૈયું ફાટી જતાં તેમણે પણ નદીકિનારે પોતાનો દેહ છોડ્યો, એવા સમાચાર વર્તમાનપત્રે આપ્યા હતા !

આ સમાચાર ખોટા પડે એવી આશામાં મનને કઠણ કરી બીજું વર્તમાનપત્ર ખોલ્યું. એમાં પણ સમાચાર એના એ જ ! એ બને કોઈ મારાં સગાં ન હતાં એટલે કાગળ આવવાનો સંભવ ન હતો. એમની પાસે સામાન પણ એવો ન હતો કે જે લેવા આવવાની કોઈ દરકાર કરે. આમ જોતાં તો ઘરમાલિક અને ભાડુઆતનો અમારો સંબંધ છતાં અમારો આત્મા કકળી ઊઠ્યો. આખું વર્ષ જાણે હૃદયમાં શૂળ ભોંકાયેલી રહેતી હોય એમ લાગ્યા કર્યું. એક દિલગીરી પ્રદર્શિત કરતો કાગળ લખી સરસામાન લઈને એક માણસને કુમારના પિતૃગૃહે મોકલ્યો. એટલી જ ખબર પડી કે કુમારની માતા કુમારના પુત્રને મોટો કરવા માટે જીવી રહી હતી !

પછી તો વર્ષો વીતી ગયાં. ઘર મેં ફરીથી કોઈને ભાડે આપ્યું નહિ. કુમાર અને કુસુમ ભુલાયાં તો નહિ, પરંતુ સમયના પટ ઉપર એ ભૂતકાળ બની ગયાં. જ્યારે જ્યારે એ યાદ આવે ત્યારે દુઃખ થતું; પરંતુ એ દુઃખ પણ જીવનમાં વ્યવસ્થાસર ગોઠવાઈ ગયું ! માનવી દુઃખ ભૂલતો નથી; દુઃખ માનવીને રીઢો બનાવે છે ! એ બન્નેનાં સ્મરણ પણ પાતળાં અને ઝાંખાં પડવા લાગ્યાં હતાં. દુઃખનાં સ્મરણોને ભૂલવાનું જ માનવી મંથન કરે છે !

વર્ષો પછી મારા કુટુંબમાંથી પણ સહુની ઈચ્છા થઈ કે હવાફેર માટે સહકુટુંબ નદીકિનારે જવું. નર્મદાકિનારો જ ગુજરાતમાં તો પાસે અને અનુકૂળ પડે. એટલે સહુએ ત્યાં જવાનો નિશ્ચય કર્યો, જોકે મને કુમાર અને કુસુમનો પ્રસંગ પાછો યાદ આવ્યો ! સગાં નહિ એવા ઓળખીતાનાં વર્ષો ઉપર થયેલા મૃત્યુને યાદ કરી