આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યના ઊંડાણમાં : ૧૫૧
 

પ્રશ્ન કેમ કરી શકું? એટલે એ પ્રશ્નને મુલતવી રાખી મેં બીજો સૂચક પ્રશ્ન કર્યો: 'કુમાર ! તું અહીં ક્યાંથી?'

'કેમ ? હું તો અહીં આ પૂનમે દર વર્ષે આવું છું. તમે મળ્યા એ બહુ સારું થયું. કેટલાં વર્ષ વીતી ગયાં?' કુમારે કહ્યું.

'પણ... પણ...કુસુમબહેન ક્યાં?' ડગમગતે હૈયે મેં પૂછ્યું.

'અહીં જ છે... પાસે...પેલી આરા ઉપર નહાય છે તે.'

ખરેખર, એક યુવતીને મેં સ્નાન માટે પાણીમાં ઊતરતી જોઈ. આખી દેહછટામાં મેં કુસુમને ઓળખી.

'ત્યારે ત્યારે...તો એમને મળાશે. મને બહુ સારું લાગ્યું.. હં...બાબો ક્યાં હશે?' મેં પૂછયું.

'એ તો મારી મા પાસે હવે રહે છે. તમને મેં પત્ર લખ્યો હતો, તે પ્રમાણે મારે તો માતાપિતા સાથે સમાધાન થઈ ગયું. આ પૂનમની જ રાત હતી. કિનારો નિર્જન બની ગયો હતો. આનંદમાં હું અને કુસુમ એકલાં અહી ફરવા આવ્યાં. કુસુમને નહાવાનું મન થયું; મને પણ સાથે નહાવા આમંત્રણ આપ્યું. પત્ની સાથે સ્નાન કરવું કોને ન ગમે ? પણ બીજા બદલવાનાં વસ્ત્ર નહતાં. કુસુમે કહ્યું : "આવો ને? આપણે અરધે વસ્ત્રે નાહીશું નળદમયંતી માફક." કહેતાં બરાબર સાડી કિનારે ફેંકી ચણિયા કબજા સાથે તે પાણીમાં ઊતરી...જુઓ ! ઊતરે જ છે, ઊંડે જાય છે...અરે!”

વાતાવરણને ભેદતી એક ચીસ પડી. કારમી ચીસ સાંભળતાં બરોબર કુમાર દોડ્યો અને પાણીમાં પડ્યો. હું પણ પાછળ દોડ્યો.

મધ્ય નદીમાંથી બૂમ પડી: 'હરકત નથી. મગરની ચૂડ છૂટી ગઈ.' કુમારનો એ સાદ હતો. જોતજોતામાં કુસુમને ખેંચી કુમાર કિનારે આવી પહોંચ્યો. કુસુમને આરા ઉપર સુવાડી અને કુમારની આંખો ફાટી ગઈ.

'કુસુમ, કુસુમ !' કુમારે બૂમ પાડી.