આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫ર કાંચન અને ગેરુ
 

ન કુસુમે જવાબ આપ્યો; ન કુસુમે આંખ ઉઘાડી. કુમારે કુસુમના દેહને હલાવ્યો; હાથ હલાવ્યા; પગ હલાવ્યા, તે હાલ્યા. પણ જડતાપૂર્વક !

'કુસુમ ! મારી કુસુમ !' કહી ઘેલા બનેલા કુમારે કુસુમના શબને ઉપાડી આલિંગન કર્યું. હું રોકવા જાઉં તે પહેલાં તો કુસુમના શબને લઈ કુમાર નદીમાં પડ્યો. પડતાં પડતાં કુમાર બોલ્યો : 'કુસુમ ! આવ, આપણે સહસ્નાન કરીએ.' અને બંને દેહ પ્રવાહમાં ખેંચાવા લાગ્યા !

મને તરતાં આવડતું ન હતું. મેં મોટેથી બૂમ પાડી : 'બચાવો ! બચાવો !'

'હવે નહિ બચે.'

મારી પાછળથી કેાઈએ ઘેરો જવાબ આપ્યો. વૃદ્ધાવસ્થામાં પ્રવેશતા એક પુરુષને મેં એકીટસે આ પ્રસંગને નિહાળતા જોયા.

'આપ કોણ ?'

'હું કુમારનો અભાગી પિતા. સાચો મગર જ હું ! મેં જ એ મારા રામસીતાને મારી નાખ્યાં !'

‘વડીલ ! આપણા હાથની વાત નથી'

'એ મારા જ હાથની વાત હતી. શા માટે મેં એમને કાઢી મૂક્યાં? હું જ એમનો ખૂની !'

'એ ગઈગુજરી...'

'ગઈગુજરી? હજી તો એ મારી આંખ સામે જ ગુજરે છે. હું પકડી પાડી એમની ક્ષમા માગું...'

'પણ એ કેમ બને? હવે ?' મેં પૂછ્યું –દુઃખપૂર્વક.'

વૃદ્ધના મુખ ઉપર પણ ઘેલછા વ્યાપી હતી.

'કહું કેમ બને તે ?' આટલું બોલતાં બરાબર આરાના પથ્થર ઉપર અત્યંત બળપૂર્વક નિર્દય રીતે તેમણે પોતનું માથું પટક્યું.