આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિશ્ચય : ૧૬૧
 

મળતી ખરી. પરંતુ રમાએ માથે લીધેલું એ કે કામ એ બે કલાક કે ત્રણ કલાકના બહારવટાથી બગડે નહિ એટલી એ કાળજી પણ રાખતી.

ગૌતમ અને રમા પરસ્પર પ્રેમી બનતાં ચાલ્યાં – કહો કે પ્રેમી બની જ ગયાં. પ્રેમાવેશમાં ગૌતમે કૉલેજની પરીક્ષામાં એક બે વર્ષ નિષ્ફળતા પણ મેળવી. પરંતુ નિષ્ફળતા સહન કરવા જેવી રમાની આર્થિક સ્થિતિ ન હોવાથી રમાએ પ્રેમની પકડને એવી મજબૂત બનવા દીધી ન હતી કે જેથી તેની બુદ્ધિ કૉલેજમાં શિખવાતા વિષયો પ્રત્યે બુઠ્ઠી બની જાય. પ્રેમની પરાકાષ્ટા અનુભવતાં રમાં ગૌતમથી અભ્યાસમાં આગળ થઈ જાય એવો ભય ગૌતમને લાગ્યો ન હોત તો એ અભ્યાસ મૂકી માત્ર પ્રેમની મશાલ સળગાવી ફરતો હોત. વહુ કરતાં વર એકાદ ચોપડી આગળ અને એકાદ પરીક્ષા વધારે પસાર કરેલો તો હોવો જોઈએ ને ? સ્ત્રીને ચાહતો પુરુષ હજી સ્ત્રીથી હારવામાં તો શરમ જ અનુભવે છે.

રમાના યશસ્વી ભણતરથી કુટુંબની આર્થિક સ્થિતિ કાંઈ સુધરે એમ હતું જ નહિ – જ્યાં સુધી તે ભણી રહી ઘરમાં આર્થિક સહાય લાવતી ન થાય ત્યાં સુધી ! એ કૉલેજમાં આવી તે વર્ષે એની એક મોટી બહેન મૃત્યુ પામી; બીજે વર્ષે બીજી મોટી બહેન પણ મૃત્યુ પામી. વહેલાં લગ્ન અને સંતતિસંયમનો અભાવ સ્ત્રીમરણના પ્રમાણને ઘણું જ વધારી દે છે.

બાળકો એ સ્થિતિમાં મોસાળ વગર બીજે ક્યાં ઊછરે ? પત્ની ગુજરી જતાં એ સ્થાન ઝડપથી પુરાયલું રહે એવી તજવીજમાં પડેલા શોકગ્રસ્ત પતિ અને તેમનાં માતાપિતા બાળકોની સંભાળ માટે પૂરતું લક્ષ્ય ન જ આપી શકે એ સ્વભાવિક છે. પતિને બીજી પત્ની મળી શકે; બહેનને કાંઈ ગયેલી બહેન પાછી મળવાની હતી ?