આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ર : કાંચન અને ગેરુ
 

બંને બહેનોનો શોક શમાવી બન્ને બહેનોનાં બબ્બે નાનાં બાળકોને ઘરમાં લાવી ઉછેરવાનો પ્રસંગ રમા અને રમાની માતાને માથે આવી પડ્યો – જે તેમણે અનેક હિંદુ કુટુંબોમાં થાય છે તેમ ઉપાડી લીધો.

રમાને ભણતરે સર્વકાર્યરત બનાવી મૂકી હતી. એને ભણવાનું ભારણ હતું; તે ખુશીથી માતાને કહી શકત કે જો ભણાવવી હોય તો એની પાસે ઘરકામ ન લેવાય ! અને સારા વરની આશામાં માતાપિતાએ હજી વધારે કષ્ટ વેઠી તેની માગેલી બધી સગવડ તેને કદાચ આપી હોત. પરંતુ એને માતાપિતા બંને માટે અતિશય લાગણી હતી. આર્થિક પરિસ્થિતિ આથી વધારે ઊંચી જવાનો સંભવ ન હતો એ ક્યારની યે રમા જોઈ શકી હતી. એટલે ભણતરને દિપાવતી કેટકેટલી ઝમક વગર તેણે ચલાવી લીધું હતું.

‘આજનું લેસન બાકી છે!' 'આજ વધારે વાંચવાનું છે!' એમ કહી રમા ચા કરવાની, બાળકોને નવરાવવાની, જમાડવાની, અને માને રોટલી કરવા લાગવાની મહેનતમાંથી ઊગરી જઈ શકી હોત. બાળકોને વાર્તા કહી ઊંધાડી દેવામાં સમય વ્યતીત કરવાને બદલે તે પોતાના અભ્યાસનું એક પ્રકરણ વધારે પાકું કરી શકી હોત. પિતાની પથારી સાફ કરવાની કાંઈ તેને માથે ફરજ ન હતી ! તે કહી શકી હોત કે રાતદિવસ નોકર ન રાખી શકતા પિતાએ પોતાની પથારી જાતે કરી લેવી જોઈએ. પરંતુ એણે પરીક્ષાના દિવસોમાં પણ એવી દલીલ કદી કરી ન હતી. માતાપિતા બન્ને અપાર કરુણાપૂર્વક છતાં અત્યંત નિઃસહાયપણે દીકરીને, દીકરીના કામને જોઈ રહેતાં અને આવી પુત્રી આપવા માટે ઈશ્વરનો આભાર માનતાં.

ઘણી ય વાર એની મા કહેતી : 'દીકરી ! તું ન હોત તો આ ઘરનું ભારણ હું કેમ કરી ઉપાડી શકત ?'

પુરુષપિતા શબ્દમાં લાગણી દર્શાવતા નહિ. કદી કદી રાત્રે સૂતા પહેલાં દીકરીને માથે હાથ ફેરવી જતા અગર ક્વચિત કહેતા ખરા : 'રમા ! આજ તો થાકી હોઈશ તું. સુઈ જા ને ?'