આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિશ્ચય: ૧૬૯
 

પત્નીને જાહેરમાં અડકવાની તક લેતાં આજનો યુવક જરા ય ગભરાતો નથી. ચિત્રમાંનાં ભૂલવાને પાત્ર કૈંક નામો હજી ચિત્રમાં ખડકાયે જતાં હતાં...કોઈ દિગ્દર્શક, કોઈ દર્શનજોડક, કોઈ વસ્ત્રનિયામક, કોઈ શુંગારનિયોજક, કોઈ ગાયક, કોઈ વાદક, કોઈ વાદ્યસંમેલક : એમ નવ નવતર ઉપયોગી કલાકારોનાં નામ ઝડપથી આવી વિલાઈ જતાં હતાં. ચિત્રપટનો ઝાડુવાળો પણ રહી ન જાય એની ખાસ કાળજી રાખવામાં આવતી હોય એમ સ્પષ્ટ દેખાઈ આવતું. નક્કી કરેલી જગ્યાએ 'ટોર્ચ'થી ચિત્રગૃહના દ્વારપાળે દોરી જઈ બન્નેને બેસાડ્યાં.

સારા પ્રમાણમાં અંધારું હોવા છતાં ગૌતમે રમાનો હાથ ખોળી પોતાના હાથમાં લેવાનો કરેલો પ્રયત્ન રમાએ સફળ ન થવા દીધો.

ગૌતમે રમાને ખભે સહેજે હાથ મૂક્યો તેમાં તો રમાએ દેહ થરકાવી ગૌતમના હાથને ખસેડી નાખ્યો.

ચિત્ર હતું તો અલબેલું ! દિલચસ્પીથી ભરેલું ! પરંતુ રમાએ મોડા આવી ગૌતમના માનસને નિરર્થક હલાવી નાખ્યું ! ચિત્રમાં ધાર્યા પ્રમાણે મજા ન આવી !

ઈન્ટરવલ પડતાં ચિત્ર બંધ થયું; લોકોની અવરજવર શરૂ થઈ; કાન ફાડતાં ગીત પણ ચિચિયારી પાડી ઊઠ્યાં. ગૌતમ અને રમા સરખાં કૈંક યુગલો બેઠાં બેઠાં હસતાં કે વાત કરતાં હતાં. પોતે બે જ જણ સાંભળી શકે એવી ઢબની વાત કરતાં સર્વકાલીન પ્રેમીઓ ઝડપથી શીખી જાય છે. ગૌતમે ધીમે રહી પૂછ્યું : 'રમા ! આજ રિસાઈ છે શું ?'

'હું? હું શા માટે રિસાઉં ? વાંક મારો હતો. હું જ મોડી આવી હતી.'

'વાંક અને વગર વાંક ! એ વાત જવા દે ને? તારાથી દૂર રહેવું મને ક્ષણ પણ ફાવતું નથી... અને હજી તો લગ્નના પંદર