આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિશ્ચય : ૧૭૧
 


તેં ન સાંભળ્યું ? ઠરેલી તારીખે મારું અને તારું લગ્ન નહિ જ થાય.' રમાએ કહ્યું.

'એના પરિણામનો તેં વિચાર કર્યો?'

'તારા જેવો વર મારા હાથમાંથી ચાલ્યા જશે, નહિ ?' વાગે એવો તિરસ્કાર દર્શાવી રમાએ જવાબ આપ્યો.

એકબે માણસ પાસે થઈ ગયાં એટલે ગુપ્ત વાત બંધ રહી. બહાર નીકળી ઘણા લોકોને જવા દીધા પછી ગૌતમ અને રમા થિયેટરને પગથિયે આવી ઊભાં. ગૌતમની કાર પાસે જ હતી. ગૌતમે કહ્યું : 'ચાલ રમા ! સહેજ ફરી આવીશું ?'

‘ના; મને ફુરસદ નથી. મા માંદી છે.' રમાએ કહ્યું.

'હું તને ઘેર પહોંચાડું.'

'ધરનો રસ્તો મને ખબર પડે એવો છે... અને બીજો રસ્તો જોયો પણ નથી..' કહી રમા ગૌતમ સામે જોયા વગર ઝટપટ ચાલી નીકળી.

ગૌતમની વિકળતા અને રમાનો રુઆબ નિહાળી એકબે ઘોડાગાડીવાળા દૂર ઊભા ઊભા આંખ મિચકારા કરી હસ્યા !

રમા ઘેર આવી ત્યારે તેની માંદી માતા બાળકોના ટોળામાં બેસી એ રડતા બાળકને છાનું રાખતી હતી.

'લે, આવી રમા ! નાહક કકળાટ મચાવ્યો ને?' માએ કહ્યું.

'શું થયું, મા ?' રમાએ પૂછ્યું.

'તું પરણી, અને બધાંયને મૂકી ચાલી ગઈ – છાનીમાની, એમ ધારી આ બધાંએ રડવા માંડ્યું છે !' માએ હસતાં હસતાં કહ્યું અને પથારીમાં તે સૂતી.

'છોકરાં રમાને વળગી પડ્યા. એક જણે પૂછ્યું પણ ખરું: 'તું પરણીને જઈશ તે પાછી નહિ આવે?'

'હું પરણવાની નથી અને આ ઘરમાંથી બીજે જવાની પણ