આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલિકામાંથી એક પાન

મારી વાત તમારે જાણવી છે? સાધારણ જીવન સહુ જીવે છે એવું મારું જીવન. એમાં રોમાંચક કશું ન જ હોય. હા, હું મારી પત્નીને એક વખત ચાહતો ન હતો એ વાત સાચી છે. પ્રેમ અને પ્રેમલગ્ન ભાવનામાં ઊછરેલા યુગને માબાપે નક્કી કરી આપેલાં જીવનસાથી કેમ કરીને ગમે? મારો વિવાહ મારાં માબાપે જ નક્કી કર્યો હતો. મારા પત્ની-પસંદગીના અધિકારનું માતાપિતાએ અતિક્રમણ કર્યું હતું એમ માની હું મારી પત્ની પ્રત્યે ઉદાસીન રહેતો હતો, એ પણ સાચું.

મારી પત્નીનો દેખાવ ખરાબ હતો એમ હું ન કહી શકુ ; એનો દેખાવ સારો હતો. મને લાગે છે કે સ્ત્રીઓ મોટે ભાગે સારી જ દેખાય છે. પરંતુ એ બહુ ભણેલી ન હતી, અને અત્યંત જૂની ઢબમાં ઊછરેલી હતી. મને, ભણેલા યુવકને રમતગમતના શોખીન ખેલાડીને સુંદર કાવ્યોના લખનાર કવિને જૂની ઢબની પત્ની ન ગમે એમાં મારો પણ શો વાંક? માતાપિતાની સામે થવાની તાકાત હું ખીલવું તે પહેલાં મારું લગ્ન તો થઈ જ ગયું !