આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮ : કાંચન અને ગેરુ
 

વધારે રીસે બળતો હતો.

હું કહેવું ભૂલી ગયો કે મારાં માતાપિતા મૃત્યુ પામી ચૂક્યાં હતાં, અને હું આખી મિલકતનો માલિક બની ચૂક્યો હતો. માતાપિતા જીવતાં ત્યારે તેમનો ડર મને લાગતા ખરો, પરંતુ તેમના ગુજર્યા પછી કોઈના પણ દબાણ કે અંકુશ વગર હું જીવી શકું એમ હતું. શા માટે હું એ સ્થિતિનો લાભ ન લઉં? અણગમતી પત્ની ઘર સંભાળતી હતી. મારો મોટા ભાગનો સમય મિત્રોમાં, ક્લબમાં સિનેમામાં અને મારી જૂની સ્ત્રીમિત્રોના સાથમાં ડુંગર કે દરિયે ફરવામાં જતો હતો. એક વર્ષ હું પ્રણયિની અને તેના પતિને લઈ ઊટી ગયો. બીજી વખત અલક મારી પાછળ પડી અને મને એના પતિ સાથે મસૂરી ખેંચી ગઈ. ચપલાને હિંદનાં નૃત્યનો અભ્યાસ કરવો હતો, એટલે એની સાથે કાશ્મીર, મણિપુર, કથ્થકી, લખનૌ, ડાંગ અને કર્ણાટક પણ હું જઈ આવ્યો. મારી સ્થિતિ સારી હતી, અને મિત્રો પાછળ ખર્ચ કરવામાં મને આનંદ આવતો હતો. હું સૌનો ખર્ચ ઉપાડી લેતો. અને પેલી સોહાગી ? શું લટકાથી મારો આભાર માનતી ! મારી આખી ઉદારતા હું તેમના પર ઓવારી દેતો છતાં મને એમ લાગતું કે મારાથી કાંઈ જ બની શકતું નથી.

જમીનદાર તરીકે ક્લબના મિત્રોમાં પણ મારા પ્રત્યે ભારે સદ્દભાવ હતો. 'બુઝીંગ.'—ઓછા વધતા મદ્યપાન વગર ક્લબમાં જવું એ મૂર્ખાઈ છે અને 'સ્ટેક'-હોડ વગર પત્તાં રમવાં એ લવણહીન ભોજન લેવા સરખું છે; એ બને આનંદસાધનો 'ક્લબ'ને મારું સ્વર્ગ બનાવી રહ્યાં હતાં. ભલભલા અમલદારો પણ મારે ગળે હાથ નાખીને ફરતા, અને મારી ઉદારતામાંથી ઉત્પન્ન થતી પ્યાલી અને પ્યાલા પીતા. રમવામાં ભારે હોડ મારી જ હોય. કોઈ વાર હારનાર મિજબાની આપે, કોઈ વાર જીતનાર મિજબાની આપે. અઠવાડિતામાં શનિ-રવિવાર તો 'ક્લબ'ના મિત્રો રાતદિવસ