આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨ : કાંચન અને ગેરુ
 

બેહૂદી માગણી કરી કે: 'શેઠ ! બેઆની ભાગ રાખો તો હું વિચાર કરી જોઉં.'

શેઠને આ માગણી અસહ્ય થઈ પડી. નફાના ટકા ભલે અપાય પણ પોતાના ધંધામાં ગુમાસ્તો ભાગીદારી માગે એ સહન ન જ થાય ! શેઠે દેવદાસને પડતો મૂક્યો.

પરંતુ દેવદાસે શેઠને પડતા મૂક્યા નહિ !

એક નાનકડું સરકારી મકાન બાંધવાનું કામ સુખનંદન શેઠને મળ્યું નહિ. ધારે તે કામ મેળવી શક્તા સુખનંદનને નવાઈ લાગી. તેમણે ઈશ્વરદાસને પૂછયું : 'અલ્યા ઈશ્વર ! આ કામ આપણને કેમ ન મળ્યું ?'

'મને ખબર નથી, શેઠસાહેબ? વ્યવસ્થા તો ભાઈ કરે છે.'

'ભાઈને બોલાવ.'

ભાઈએ આવી ખબર આપી કે એવા નાનકડા કામમાં બહુ ચિત્ત રાખવા સરખું હતું જ નહિ. ભલે બીજા કોઈને મળ્યું.

'પણ એ છે કોણ બીજો કોઈ?'

'આપણે ત્યાં હતો તે – દેવદાસ.' ભાઈએ કહ્યું

'એમ? એ મારી સામે ઊભો થયો ? ઠીક!' સુખનંદન શેઠ બોલ્યા. મનમાં નિશ્ચય કર્યો કે એ મગતરાંને જોતજોતામાં મસળી નાખવું !

પરંતુ એ મગતરું મસળાય એવું ન હતું. હવે જે જે કામોમાં સુખનંદન ઊભા હોય તે કામમાં સામે દેવદાસ આવીને ખડો થાય. જ. વ્યાપારની ઘણી વિગતો દેવદાસના ધ્યાનમાં આવી ગયેલી હતી જ. સુખનંદનને ખરેખર ખર્ચ કેટલો આવતો અને નફો કેટલો મળતો એની માહિતી દેવદાસને હતી, એટલે સુખનંદનના સો ટકા જેટલા નફાને કાપી પચીસ ટકા જેટલો નફો મેળવી તે સુખનંદનની