આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૧૯૩
 

માગણી નામંજૂર કરાવતો અને કામ સોંઘુ થતું હોવાથી તેને જ કામ સોંપવાની અધિકારીઓને ફરજ પડતી.

વળી સુખનંદનને ખર્ચે દેવદાસને પણ કૈંક અમલદારોની ઓળખાણ થઈ હતી. છુટા થયા પછી એ ઓળખાણ તેણે ચાલુ રાખી, અને ઓળખાણ અસરકાર નીવડે એમ મોટરગાડી, ચાનાસ્તો અને બક્ષિસની પ્રથા તેણે પણ ચાલુ રાખી. ચારપાંચ માસ સુધી તો ઘણા લોકોને ખબર પણ ન પડી કે દેવદાસ સુખનંદનથી છૂટો પડી સ્વતંત્ર કામ કરતો હતો. એ ઢબે પણ એનાથી બને એટલો લાભ લીધો. અને જ્યારે સહુને ખબર પડી ગઈ ત્યારે તો એક ધંધાદારી તરીકે એ સ્થાપિત થઈ ચૂક્યો હતો.

સુખનંદને અમલદારો અને અન્ય વ્યાપારીઓને ખબર આપી દીધી કે દેવદાસને તેણે દૂર કર્યો છે. પરંતુ મોટા શેઠની રુખસદથી ગુમાસ્તાઓ નાના શેઠ બનતા મટતા નથી. ધનપ્રાપ્તિનો માર્ગ જેવો સુખનંદન જાણતા હતા તે જ દેવદાસ પણ જાણતો જ હતો. એટલે પ્રશ્ન માત્ર દોડનો જ રહ્યો. પ્રતિષ્ઠિત શેઠ કરતાં ગુમાસ્તાની નાનકડી છાપવાળો દેવદાસ વધારે ઝડપથી દોડતો હતો. જોતજોતામાં સુખનંદનના વ્યાપારમાંથી દેવદાસે સરસ ચોસલું કાપી કાઢ્યું અને દિવાળી વીતતાં બેસતા વર્ષને પ્રભાતે દેવદાસ સુખનંદ શેઠને પગે લાગવા પણ આવી ગયો.

શેઠને દેવદાસ ગમે નહિં; છતાં હવે તે નોકર રહ્યો ન હોવાથી સહેજ વિવેક શેઠે બતાવ્યો. શેઠને પગે લાગી દેવદાસે સવા રૂપિયો તેમના ચરણમાં મૂકી દીધો. શેઠે તેને સાકર અને ગુલાબ અત્તર આપતાં પૂછ્યું : 'કેમ ચાલે છે, દેવદાસ ?'

'આપની કૃપા છે, શેઠે સાહેબ ! રોટલો રળી ખાઉં છું. છેક ખોટું નથી.' દેવદાસે કહ્યું.

'અમને તો છોડીને ગયો ને ? '

'આપને તે છોડાય ? આપનું અન્ન ખાધું છે. આપે ધંધાની