આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ : કાંચન અને ગેરુ
 


સુખનંદન ગૂંગળાઈ ગયા, ગૂંચવાઈ ગયા – જોકે ગભરાઈ ગયા કહેવાય નહિં. તેમનું અપાર ધન બધે પહોંચી વળ્યું. તેમની પ્રતિષ્ઠા અને તેમનો પરિચય તેમને સજાથી સહેજ દૂર રાખી શક્યાં. પણ તે તો ક્ષણ વાર માટે ! વકીલો, બેરિસ્ટરો, સોલિસીટરો જેવા ગમે તે ગુનાને ગુનો નથી એમ પૈસાના પ્રમાણમાં પુરવાર કરનાર વીસમી સદીની કીર્તિસમા ભાડૂતી લડવૈયા સુખનંદનની આસપાસ ફરી વળ્યા અને શેઠની તથા શિક્ષાની વચ્ચે મજબૂત ઢાલ ઊભી કરવા માંડી.

પરંતુ એ ઢાલ ઉપર પ્રહાર કરનાર દેવદાસ પક્ષના ભાડૂતી સૈનિકો પણ ઓછા ન હતા – જોકે દેવદાસની તરફેણમાં સરકાર પણ હતી એટલું વધારામાં ! પરંતુ કૉર્ટમાં ઈશ્વરદાસને સાક્ષી તરીકે બોલાવવાનો પ્રસંગ આવતાં ઈશ્વરદાસે પણ શેઠના ધંધામાં ભાગ માગ્યો – જે સિવાય તે બધી જ છુપી વિગતો અને હિંસાબો બતાવી દેવાની ધમકી આપી ચૂક્યો – ત્યારે તો સુખનંદન શેઠ માંદા પડી ગયા.

તે દરમિયાન દેવદાસનો ધંધો બઢ્યે જ જતો હતો, અને વ્યાપારી આલમમાં તેની પ્રતિષ્ઠા વધ્યે જતી હતી. ધનપ્રાપ્તિ એ જ એક સફળતાની સાચી કસોટી છે એમ માનતી દુનિયામાં પ્રતિષ્ઠા પણ ધનના પ્રમાણમાં મળે એ સહેજ હતું.

સુખનંદને એ પ્રતિષ્ઠા ઝડપથી ગુમાવવા માંડી હતી. પૈસો ઘટતાં ઘણાં પાપ પણ ખુલ્લાં થઈ જાય છે - જે દરેક ધનિકને ચોપડે લખાયલાં જ હોય છે. એટલે પાપ ઢાંકવા માટે પણ પૈસો સાચવવાની અને વધારવાની ઘણી જરૂર રહે છે.

ધનિકોના આનંદઝપાટામાં સ્ત્રીસહવાસના પ્રસગો કૈંક આવી ગયા હોય છે, જે માત્ર એકાદ વિશ્વાસપાત્ર નોકર, ઘરનો કે ઑફિસનો વફાદાર પહેરેગીર, માનીતો શૉફર અને પૈસાની વ્યવસ્થા કરતો ભરોસાપાત્ર મુનીમ જ માત્ર જાણતો હેાય છે. એ સિવાયની આખી દુનિયા, શેઠસાહેબ ને ચારિત્ર્યના ઉત્તમ નમૂના તરીકે જ માની