આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૧૯૭
 

લે છે.

ફૂટી ગયેલા ઈશ્વરદાસને દેવદાસે એક છૂપી મસલતમાં વાત કરી : 'જો ઈશ્વર ! અત્યાર સુધી તો બધું બરાબર ઊતર્યું છે. હવે એક નવો પેંતરો મેં રચ્યો છે.'

'શો? તારા પેંતરામાંથી તું ઊંચો ન આવ્યો !'

'આટલું થઈ જાય એટલે બેડો પાર. સુખનંદન શેઠની મિલકત અને પેલી છોકરી બંને મળ્યાં સમજજે,' દેવદાસે કહ્યું.

'શો પેંતરો છે, દેવદાસ ?'

'પેલી કુમકુમ ખરી ને ?'

'કોણ? હાં, હાં. પેલી કંકુબાઈ? શું છે તેનું હવે? એ વાતને વર્ષો વીત્યાં.'

'એ જ વાત પાછી જાગે છે. આપણા શેઠ ઉપર એ બાઈ ભરણપોષણનો દાવો આજે કરે છે ! જો પછી ગમ્મત !' પ્રતિષ્ઠિત દેવદાસે કહ્યું.

'હવે એટલું બાકી રહેવા દે ! શેઠને બહુ ચૂંથ્યા તેં ! આ માંદગીમાંથી શેઠ બચે ત્યારે ખરું.'

'બચે કે ન બચે એની મને લેવાદેવા નથી. હું તો એટલું જ ઈચ્છું છું કે આ પહેલાં એ જાણીને જાય કે દેવદાસની કિંમત એમના નફામાં કેટલી હતી અને એમના નુકસાનમાં પણ કેટલી છે !'

‘એ પોપડો ન ઉખેડ; શેઠ ઢગલો થઈ જશે.'

દેવદાસ અને ઈશ્વરદાસ બને આછું પાતળું અંગ્રેજી તો ભણ્યા હતા. પરંતુ ઈશ્વરદાસ હજી સુખનંદનનો મુનીમ હતો અને દેવદાસ તો મહાન શ્રેષ્ઠીઓની હારમાં સ્થાન લેતો માલિક બની ગયો હતો. વગર ભણે કડકડાટ અંગ્રેજી બોલવાની તેને ટેવ પડી ગઈ હતી. અને સાંભળનાર સહુ કોઈ વાતનું હાર્દ સમજવા આવે છે, વ્યાકરણની ભૂલો કાઢવા નહિ ! સારા સારા અંગ્રેજી ભણેલાઓ સાથે બેસી એને અંગ્રેજી બોલતાં આવડી ગયું હતું; એટલું નહિ, પરંતુ