આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૨૦૩
 


ઘેર ઈશ્વરદાસ તેની રાહ જોતો બેઠો હતો. દેવદાસની આંખમાંથી અગ્નિ વરસ્યો. તેને ન ગણકારી ઈશ્વરદાસે હસતે મુખે દેવદાસના હાથમાં એક રૂપાળી આમંત્રણપત્રિકા મૂકી દીધી.

'જો દોસ્ત ! મારું લગ્ન છે. તારી હાજરી વગર નહિ ચાલે.' ઈશ્વરદાસે આગ્રહ કર્યો.

'દગાબાજ ! નિમકહરામ ! તું જ વચ્ચે આવ્યો ?' દેવદાસ ઊકળ્યો.

'જો દેવદાસ ! ગાળો દીધાથી કાંઈ ન વળે. તારું નિમક મેં ખાધું નથી. જેનું નિમક ખાધું છે તે હલાલ કરવા હું તેની મિલકતને અને દીકરીને સાચવું એમાં ખોટું શું ?' ઈશ્વરદાસે કહ્યું.

'મેં તો શેઠ સાથે ખુલ્લી લડત કરી. તારી માફક ઘરમાં રહીને મેં ઘો મૂકી નથી !' દેવદાસ બોલ્યો.

'ભલા માણસ ! એમાં ખુલ્લું શું અને છૂપું શું? અને તારા જ શબ્દો યાદ કર ને ? પેલું શું – વ્યાપારમાં, યુદ્ધમાં અને પ્રેમમાં ફાવે તે કરો; એનું પાપ જ નહિ !'

'તું મહેરબાની કરી અહીંથી રસ્તે પડ, નહિ તો તારું ખૂન કરી બેસીશ.'

'ચાર દિવસ છે વચમાં. જરા શાંત પડજે.. પણ લગ્નમાં ન આવવું એમ ન કરતો !' ઈશ્વરદાસે ઊઠતાં ઊઠતાં કહ્યું.

દેવદાસના હાથ છરીકટાર શોધવા લાગ્યા. વેરભાવે આ ઈશ્વર મેળવવાનું તેણે સ્વપ્ને પણ ઈચ્છયું ન હતું.