આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડબામાંની ગાય: ૨૦૫
 

ઘણા ય મળવા આવનાર મિત્રો, ઓળખીતા કે અજાણ્યાઓને ગમતું હોય કે નહિ, તો ય હું મારા બાગ અને મારી ફૂલરચના ઉત્સાહપૂર્વક બતાવતો. મારા બગીચાની વાત કરનાર પ્રત્યે મને એકદમ સહાનુભૂતિ ઊપજતી.

હું ધનિક ન હોવાથી મારો બગીચો કામડાંની કે કામડાં અને તારની સંયુક્ત વાડનું જ રક્ષણ પામતો હતો. પાકી ઈંટેરી દીવાલ કરી લેવા જેટલી સંપત્તિ હજી મળી નથી. પરંતુ મને બગીચો એટલો વહાલો હતો કે બને એટલી હું તેના ઉપર નજર રાખતો; બકરાં, ગાય, ભેસ, ઘેટાં બગીચામાં પેસી અનાડ ન કરે એની હું કાળજી રાખતો, અને તાર કે કામડાં ઢીલાં પડતાં હું એક રાજધાનીના ગઢને સાચવતો હોઉં એમ મજબૂત કરી લેતો. એક પ્રકારનો મનમાં ગર્વ પણ થતો કે મારા જેવી બગીચાની સાચવણી બહુ જ થોડા કરી શકતા હશે ! મને ઘણી વાર એમ પણ થતું કે હું રાજા હોઉં કે સત્તાધીશ હોઉં, તો ગામનાં ગામ અને શહેરનાં શહેર બગીચામય જ બનાવી દઉં. બગીચા વગરનું એક પણ ઘર ન હોય, એક પણ રસ્તો ન હોય, એક પણ ખૂણો ન હોય. રસ્તા પણ બગીચે ગૂંથ્યા જ હોય !

પણ એ તો હું સત્તાધીશ થાઉં ત્યારની વાત ! મારી જિંદગીનું નિર્માણ જ એવી ઢબનું થયું છે કે આ જીવનમાં બગીચામય દુનિયા સર્જાવાની સત્તા મને મળે જ નહિ. હું મારો જ નાનકડો જમીન ટુકડો પુષ્પમય બનાવું તો બસ ! નહિ?

અને તેવો બગીચો મેં બનાવ્યો પણ ખરો ! રોજ પ્રભાતમાં ઊઠી મારે ઊઘડેલાં પુષ્પનાં દર્શન કરવાનાં. મને એ ખૂબ ગમતું.

એક પ્રભાતમાં ઊઠી મેં જોયું તો બેત્રણ મોગરા, મારો રેશમી ગુલાબ અને બેત્રણ વેલ આડાં પડેલાં, ને અડધાં ખવાઈ ગયેલાં મેં નિહાળ્યાં; અને જાણે ભારે મિલકત લૂંટાઈ હોય એવો ધબકારા મારા હૃદયમાં થયો. મને ખરેખર ઘા વાગ્યો. ઘાની કળ વળતાં મેં બૂમાબૂમ કરી મૂકી.