આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮ : કાંચન અને ગેરુ
 

જોઉં છું તો એક મોટું જાનવર આરામથી મારા લીલા છોડવેલાને ચાવતું હતું !

મને ખૂબ ગુસો ચડ્યો એક ગુજરાતી હાથમાં જેટલી શક્તિ લાવી શકે એટલી શક્તિ કેન્દ્રિત કરી મેં એ જાનવર ઉપર મારો દંડો ફટકાર્યો ! જાનવર વાઘ હોય કે સિંહ હોય તો પણ તેને હું છોડવાનો નથી એવો લોખંડી નિશ્ચય જાનવરને જોતાં બરોબર મારા હૃદયમાં થઈ ચૂક્યો હતો — જોકે વાઘ સિંહ છોડ-વેલા ન ખાય એ હું જાણતો હતો જરૂર. પરંતુ એ જાનવર ઉપર પડેલો ડંગોરો જાનવરના કઠણ હાડકા ઉપર વાગ્યો હોય એવો અવાજ આવ્યો અને મારા હૃદયમાં સહેજ અરેકારો થઈ આવ્યો ! જાનવર ત્યાંથી ખસ્યું નહિ. માત્ર તેણે એક લાંબો શ્વાસ લીધો અને બગીચામાં મુખ વધારે ખોસ્યું !

કોઈને પણ ગુસે ચડે એવી નફટાઈ કરતા મારા દંડાને બિલકુલ હસી કાઢતા જાનવર ઉપર મેં બીજો ફટકો લગાવ્યો. ફટકાનો પડઘો પ્રથમ જેવો જ પડ્યો. મને એક વાર લાગ્યું કે આ જાનવર લાકડાનું તો બનાવેલું નહિ હોય ? જેનું બનાવેલું હોય તેનું ! કોઈ પણ જાનવરને પારકા બગીચામાં આવી ભંગાણ કરવાનો હક્ક ન જ હોય. મેં ત્રીજો ફટકો લગાવવા હાથ ઊંચક્યો, પણ જાનવર એક ડગલું પણ ત્યાંથી ખસ્યું નહિ !

અંધારામાં આ હઠીલા જાનવરને મેં જરા ધારીને જોયું. એક ઊંચી ગાય મારા બગીચાની ચોર હતી એમ મને ખાતરી થઈ ગઈ. ઘરમાં સુતેલો એક નોકર પણ એટલામાં જાગ્રત થઈ ફાનસ લઈ આવી પહોંચ્યો. મેં તેને એક દોરડું લાવી ગાયને બાંધી દેવા આજ્ઞા કરી. દોરડું આવ્યું. ગાયને ગળે ભેરવી તેને એક એવી જગ્યાએ દોરી કે જ્યાંથી તે ફૂલ-વેલને ખાઈ જ શકે નહિ.

ગાયને બાંધ્યા પછી સંતોષપૂર્વક મેં એ ચોર-ગાયને નિહાળી | ખૂબ ઊંચું કાઠું એ ગાયનું હતું. પરંતુ એ ગાય હતી ?