આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણઊકલી વાત


માતાપિતા સાથે મેજ ઉપર ચાનાસ્તો લેતાં રશ્મિએ કહ્યું : 'કેટલીક તો એવી સરસ કવિતા હતી ! કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા જ કરે. તમે કદી ચન્દ્રાનન કવિને સાંભળ્યા છે?'

'ચંદ્રાનન ? હા !... કાંઈ નામ તો સાંભળ્યું છે. પણ એમને મળ્યો હોઉં એને યાદ નથી.' પિતાએ કહ્યું.

કવિઓ એ ધનિકોને યાદ રહે એવાં પ્રાણી ન જ ગણાય. ધનિક વલ્લભદાસ અસામાન્ય ધનિક હતા. આમ તો તેઓ ઠીક ભણેલા હતા, પરંતુ ધન-ઉપાર્જનમાં રોકાતો સમય બહુ અદેખો હોય છે. એ બીજા કશામાં પોતાને પરોવાવા દેતો જ નથી; અને વર્તમાનપત્રો, અઠવાડિકો તથા માસિક એટલાં વધી પડ્યા છે કે તે સિવાયની બીજી વાચનપ્રવૃત્તિ માટે ભાગ્યે જ અવકાશ ધનિકોને રહે.

'મળવા જેવા છે. દેખાવ પણ એવો કે આપણને પૂજ્યભાવ ઉત્પન્ન થાય. માની પાસે એના કાવ્યસંગ્રહો મેં જોયા છે...' રશ્મિએ કહ્યું, અને ચાનો અડધો ભરાતો પ્યાલો માનો હાથ લાગતાં ઢોળાઈ ગયો.