આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણઊકલી વાત : ૨૧૭
 

વાંચવાનું બધું કામ તારી માને સોંપ્યું....અને આપણા પુસ્તકાલયમાં એમનું એક પુસ્તક ન હોય એમ કદી બને જ નહિ...તારી ઈચ્છા હોય તો આજે સાંજે ચા કે ખાણા ઉપર બોલાવી લાવજે... મારા તરફથી આમંત્રણ આપજે.' પિતાએ કહ્યું.

ધનિકો અન્ય ધનિકોને, ઘરને શોભે એવા મોટા અમલદારોને અને એવા જ મોટા નેતાઓને આમંત્રણ આપવામાં ટેવાયેલા હોય છે. કદી કદી બાળકની ઈચ્છાનુસાર કવિઓ અને સાહિત્યકારોને પણ ચા ઉપર બોલાવવાની તેઓ કૃપા કરે. ફુરસદ હોય તો તેમની સાથે બેસે પણ ખરા.

'મેં મારા તરફથી તો આમંત્રણ આપ્યું જ છે. ફરી તમારા તરફથી આપી દઈશ...મને બહુ ગમ્યું...તમે અને મા સાથમાં તો.' રશ્મિએ આનંદ પ્રદર્શિત કર્યો.

‘તું યે, છોકરી અજબ છે. નવાં નવાં ધાંધલ ઊભાં કર્યે જ જાય છે !' માતા શશીકલાએ રશ્મિને કહ્યું.

'મા ! તું એને જોઈશ, અને સાંભળીશ તો તને જરૂર એમ લાગશે કે મેં આમંત્રણ આપ્યું એ જ સારું કર્યું...અમસ્તી વાત કરે છે તો ય કવિતા બોલતા હોય એવું મીઠું લાગે છે.' રશ્મિએ કહ્યું.

‘બહેન? તું પણ કાંઈ કવિતા લખતી હતી ને?' પિતાએ પૂછ્યું.

ધનવાનોને પોતાને સાહિત્ય, સંગીત કે કલા માટે પૂરતો સમય રહેતો નથી એ સાચું પરંતુ પોતાનાં સંતાનોને એવી તેવી વિદ્યા – ઉપવિદ્યાનો શોખ હોય તો તેમને ગમે છે, ઉપરાંત ઘણું ધન કુટુંબમાં કલા હોવાનું વધારાનું અભિમાન લેવાની પણ તેમને સગવડ આપે છે.

'હા ! પણ એનો કાંઈ અર્થ જ નહિ. ચંદ્રાનનની કવિતા વાંચીએ કે સાંભળીએ ત્યારે જાણે પુષ્પના ઢગલા ઉપર સૂતાં હોઈએ અગર તારાનક્ષત્રનાં ઝૂખમાં પહેરતાં હોઈએ એવું લાગે છે...' રશ્મિએ કહ્યું,