આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮ : કાંચન અને ગેરુ
 

વલ્લભદાસ ખૂબ હસ્યા. સાહિત્યની આવી ઘેલછા ઊછરતાં અને ભણતાં કિશોર-કિશોરીઓને વળગે છે એમ તેઓ જાણતા પણ ખરા. તેમના અભ્યાસયુગમાં તેમને પણ કદી કોઈ કવિતાઓ અસર કરી જતી હતી એ તેમને યાદ આવ્યું : ખાસ કરી પ્રેમની અને દેશભક્તિની કવિતા. હવે જો કે વલ્લભદાસ ભૂલી ગયા હતા, છતાં કલાપીની –

'અરે તું વૈદ કાં તેડે? ગળે કાં ઔષધિ રેડે ?'

એ આખી ગઝલ એક વખત તેમને મોઢે હતી. અને 'મરીશું દેશને કાજે' એવી એક અસરકારક રીતે ગવાયલી કવિતા સાંભળી તેમને પણ દેશ માટે ફકીરી ધારણ કરવાનું મન થઈ આવ્યું હતું.

'ત્યારે હવે તને બાગબગીચાની અને મોતીનાં ઘરેણાંની જરૂર નહિ પડે !' વલભદાસે હસતાં હસતાં કહ્યું.

'ચન્દ્રાનન જેવી કવિતા લખતાં આવડે તો ખરેખર જરૂર ન પડે. શબ્દો અને કલ્પનાઓ જ ઘરેણાં અને પુષ્પપુંજ બની જાય છે.' રશ્મિએ કહ્યું.

શશીકલા તેની સામે ક્ષણભર જોઈ રહી. પરંતુ રશ્મિને કવિ ચન્દ્રાનન સંબંધી પ્રગટેલા ઉત્સાહમાં સમજાયું નહિ કે તેની માતા શશીકલા તેના ઉત્સાહને બહુ પસંદ કરતી ન હતી. એટલે રશ્મિનો ઉત્સાહ ચાલુ જ હતો. સાંજે આવે ત્યારે ચન્દ્રાનનને બરોબર ક્યાં બેસાડવા, એની સાથે વાત કરવાને કોને બોલાવવાં, ચાના મેજ ઉપર કેવી ગોઠવણ કરવી, ફૂલદાનીઓ કેટલી ક્યાં મૂકવી, ઘર અને ખાસ કરી ઘરનું પુસ્તકાલય કેવી રીતે બતાવવું, કયા કયા મુદ્દા ઉપર તેમને પ્રશ્નો પૂછવા, તેમની સારામાં સારી કવિતા બોલવા તેમને કેવી રીતે વિનતિ કરવી, તેમના નિત્યક્રમ વિષે કેવી ઢબે વિગતો જાણવી : એ બધા વિચારો, તરંગો અને યોજનામાં ગૂંથાઈ ગયેલી કિશોરી રશ્મિને સમય ક્યાં ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. અને બપોરના ચાર ટકોરા થતાં તેના પિતાએ પૂછ્યું : 'રશ્મિ!