આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણઉકલી વાત : ૨૨૩
 

કે વિલક્ષણતા દેખાયાં નહિ. તેમની સ્થિતિ સામાન્ય હતી; તેઓ નાનકડા ઘરમાં રહેતા હતા; પુસ્તકો જે આપે તેમાં પોતાનું પૂરું કરતા હતા; આટલું તો કવિઓને માટે જરૂરી જ ગણાય. પોતાનું કામ પોતાને હાથે કરી લેતા હતા; અને ઉજાગરાના ખાસ શેખીન ન હતા એ તેમની મહત્તા વધારનારાં તત્ત્વ ગણાય નહિ. તેમણે વાતચીતમાં ઉત્સાહી યુવક-યુવતીઓને સમજ પણ પાડી કે સાક્ષર અથવા કવિ થવા માટે માથે શીંગડું ઉગાડવાની જરૂર નથી. બીજા સામાન્ય માનવોની માફક જ સાક્ષર અને કવિઓ ગુણ-અવગુણ તથા ખામી ખૂબીનાં પોટલાં હોય છે.

'મારામાં બહુ વિચિત્રતા ન લાગી, ખરું ?' ચન્દ્રાનને હસીને પૂછ્યું.

'એમ નહિ. પણ જે કલ્પના અને જે રસ તમે શબ્દોમાં પકડો છો, એ આપના સામાન્ય જીવનમાં કેમ શક્ય બને ?' એક યુવતીએ કહ્યું.

'જીવન પોતે જ એવું અસામાન્ય છે કે એ ધારે તે ઉપજાવી શકે છે. આખી જડ સૃષ્ટિને નાનકડું ચેતન કેવી દોરવણી આપી રહે છે એ જોશો તો જીવન પાસે તમે ચમત્કાર માગશો જ નહિ.' ચન્દ્રાનને કહ્યું.

'અમે ચમત્કાર નથી માગતાં; અમે સમજવા માગીએ છીએ.'

'વિશેષ શું સમજવું છે?' ચન્દ્રાનને પૂછ્યું.

'આપને ખોટું તો નહિ લાગે ?'

'ખોટું લાગશે તો હું કહીશ અને તેનો જવાબ નહિ આપું. પૂછો જે ઈચ્છા હોય તે.' ચન્દ્રાનને યુવકમંડળને પ્રોત્સાહન આપ્યું.

'તમે કહ્યું કે તમે પરણ્યા નથી.'

'સાચું.'

'કેમ નથી પરણ્યા? ઉંમર વીતી ગયા છતાં ?'

'આ પ્રશ્ન ખરો ! પરણવામાં બે વ્યક્તિઓની જરૂર છે. મને