આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪ : કાંચન અને ગેરુ
 

કોઈ યુવતી ન પરણી એટલે હું હજી અપરિણીત છું.' હસીને ચન્દ્રાનને કહ્યું.

'જરા આગળ વધી હું પૂછું ?' રશ્મિએ રજા માગી.

'રજા માગવાની જરૂર નથી. પૂછ્યે જાઓ.’

'તમે સુંદર નાયક નાયિકા ઊભાં કરો છો – સહુને ચોટ લાગે એવાં. તમને સ્ફુરણા – પ્રેરણા ક્યાંથી મળે છે?'

'છોકરાં ! તમારે આજે એક રસકથા સાંભળવી જ છે, નહિ ? વારુ, હું તમને એક ટૂંકી વાત કહીશ.’ ચન્દ્રાનને કહ્યું.

'આપણે ચા ઉપર કવિસાહેબની વાત સાંભળીએ તો? બધું તૈયાર છે.' કાવ્ય અને સાહિત્યની કચકચ અધવધ છોડી ઊઠેલા વલભદાસે ફરી આવીને બધાને કહ્યું.

અને સહુ ચા-ધામમાં પહોંચ્યાં.

સુંદર મેજની શૃંગારિત હાર ઉપર સુંદર વાનીઓ પીરસાઈ હતી. ધનિકગૃહની ચા એ માત્ર ચાનો પ્યાલો ન હોઈ શકે. અનેક સહકારી વાનીઓ વગરની ચા લૂખી, સૂકી, બેસ્વાદ બની જાય છે. શશીકલા આ બધી વ્યવસ્થા કરી અદૃશ્ય થઈ ગયાં હતાં. સહુ બેઠાં પછી મિજબાનની ખાલી ખુરશી નિહાળી વલ્લભદાસે કહ્યું : 'રશ્મિ ! તારી મા ક્યાં? એ આવે એટલે ચા અને કવિસાહેબની વાત શરૂ કરીએ.'

'કોણ જાણે કેમ, આજે એની તબિયત જ બરાબર લાગતી નથી. હું બોલાવું...' કહી રશ્મિ ખુરશી ઉપરથી ઊઠી અને માને બોલાવી લાવી.

શશીકલા હજી સૌંદર્ય સાચવી શકેલી મધ્યા હતી. તે ભણેલી હતી. ધનિક પિતાની પુત્રી અને ધનિક પતિની પત્ની હોવાથી નગરની સંસ્થાઓમાં ઉપયોગી કામો પણ કરતી હતી અને એક સંસ્કારી