આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણઉકલી વાત : ૨૨૫
 

સન્નારી તરીકે સર્વત્ર પ્રતિષ્ઠા પણ પામી ચૂકી હતી. સંસ્કાર અને કલાને સંબંધકર્તા ઘણાખરા પ્રસંગોમાં તેની હાજરી અને ઉત્તેજન જરૂરી હોય જ. તેના પતિ વલ્લભદાસનું વ્યાપારમાં ઘસાતું ભણતર વ્યાપાર બહાર દીપી શકે એટલો ટેકો શશીકલા જરૂર આપી શકતી હતી. પુત્રીનું ભણતર પણ માતાના સંસ્કારને જ આભારી હતું. જાણે ગૌરવ અને સૌંદર્ય બે ભેગાં મળી આવતાં હોય એવી શશીકલાને નિહાળી પતિ વલ્લભદાસ તેમ જ પુત્રી રશ્મિ બંને રાજી થયાં. આવી પત્ની અને આવી માતા હોય એ પતિને તેમ જ પુત્રીને માટે અભિમાનનો વિષય ગણાય.

'મારી મા... આ ચદ્રાનન... છબીમાં છે એવા જ લાગે છે ! નહિં?' રશ્મિએ મા અને ચન્દ્રાનનનો પરિચય કરાવ્યો. ચન્દ્રાનને અને શશીકલાએ પરસ્પર નમસ્કાર કર્યા. ક્ષણભર બનેએ આંખ મેળવી, ખસેડી અને ચા પીવા સાથે બેસી ગયાં. ચદ્રાનનની ખુરશી શશીકલાની પાસે જ હતી. માનવંત મહેમાનની ગોઠવણી એ જ ઢબે થાય. શશીકલાએ નીચે જોઈ ચન્દ્રાનનને પ્યાલામાં ચા તૈયાર કરી આપી. પછી સહુએ પોતપોતાની મેળે ચા પીવી શરૂ કરી.

'પછી. કવિસાહેબ ! તમે શી વાત કહેવાના હતા?' વલ્લભદાસે દીવાનખાનામાં અટકાવેલી વાતચીત શરૂ કરવા સૂચન કર્યું.

'શાની વાત કહેવરાવો છો ?' શશીકલાએ નીચું જોઈને જ પૂછ્યું.

શશીકલાએ બોલવા માંડ્યું એટલે વલ્લભદાસને આનંદ થયો. શશીકલા ઘરનું ભૂષણ હતી. વલ્લભદાસના મિત્રો અગર અમલદાર આવે ત્યારે તેમને વાતચીતમાં આંજી નાખવાની શશીકલા શક્તિ ધરાવતી હતી. વિદ્વત્તાના પ્રધિનિધિ સરખા કવિ ચન્દ્રાનનની સમક્ષ પણ શશીકલા ખીલી નીકળી તેમને તે આંજી નાખે, એમ વલ્લભદાસ ક્યારના ઈચ્છી રહ્યા હતા.

‘કાંઈક રસકથા સંભળાવવાનું કહેતા હતા.' વલ્લભદાસે કહ્યું.