આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિનેમા જોઈને : ૨૩પ
 

જાગી ઊઠે છે, એનો સચોટ પણ ખૂબ હસાવતો ખ્યાલ એ ચિત્ર આપ્યા જ કરતું હતું. પતિપત્ની બહુ ગંભીર હતાં. બહુ જ સાચું લડતાં હતાં અને છૂટાછેડાને માટે તલપી રહેવા જેવી તૈયારી બતાવતાં હતાં, પરંતુ પ્રેક્ષકો એ ઝધડા પાછળ નજીવી વાતચીત કે વર્તન હતાં તે સમજી લઈ ખૂબ હસતાં હતાં.

હસતાં હસતાં મે મારો પગ સહેજ લંબાવ્યો, અને તે વીણાના પગને અડકી ગયો ! અમે બન્ને હસતાં હતાં એ સાચું; પણ એક બીજા સામે હજી અમે નજર પણ માંડી ન હતી. વાત તો કરીએ જ કેમ – આટલા ઝઘડા પછી ? વીણાએ પગ ખસેડી લીધો અને હું જ એકલો સાંભળું એમ બોલી ઊઠી : પગ કેમ અડાડે છે?'

'આમ !' કહી ચાહીને મેં વીણાના પગને ફરી મારો પગ અડાડ્યો.

વીણાએ પગ વડે મારા પગ ઉપર જોરથી પ્રહાર કરી પોતાનો પગ ખસેડી લીધો. મને ઠીક ઠીક વાગ્યું. મેં પણ એકલી વીણા જ સાંભળે એમ કહ્યું : 'એકલો પગ નહિં! હું હવે હાથ પણ તને અડાડીશ. પછી કાંઈ ?' કહી મેં કોઈ દેખે નહિ એમ તેના પગ ઉપર હાથ મૂકી દીધો.

હાથ મુકતાં તો મૂક્યો, પરંતુ મને હાથ ઉપર જાણે વીંછીનો ડંખ વાગ્યો હોય એવી વેદના થઈ આવી ! આછી સિસકારી મારા મુખમાં પ્રગટ થઈ; પરંતુ સદ્ભાગ્યે આખું પ્રેક્ષકગૃહ ખડખડાટ હસતું હોવાથી મારી વેદનાફૂંક કોઈએ સાંભળી નહિ.

'હાથ ખસેડી લે.' વીણાએ કહ્યું. એણે પોતાની ચૂંટી હળવી કરી હતી.

'નહિ ખસેડું.' મેં પણ મમતે ચડીને કહ્યું.

'તો હું તને બીજી ચૂંટી ખણીશ.' કહી બે વીંછી એક સાથે એક જ સ્થળે ડંખ મારે એવી મહા વેદનાકારી બીજી ચૂંટી વીણાએ મારા હાથ ઉપર ભરી લીધી.