આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મને વખત નથી : ૨૪૫
 

છો? ચાલ્યા આવો છો અહીં સુધી તે?' ભગવાનદાસભાઈની આ સૂચનામાં હિંસાનું નામ પણ ન હતું, છતાં ગામલોકો સમજ્યા કે ભગવાનદાસભાઈએ હિંસક સામનો કરવાની સલાહ આપી છે ! એક અઠવાડિયામાં એ ગામે રમખાણ થયું, મારામારી થઈ અને હિંદુ-મુસલમાન બને લતાઓ જોડાજોડ હોવાથી બન્નેમાં ભયંકર આગ લાગી—અલબત્ત, એમાં વધારે તો હિંદુઓનાં જ ઘર બળ્યાં એ જુદી વાત છે. પરંતુ ભગવાનદાસભાઈ એ ગામે પહોંચી ગયા; સામસામી ફરિયાદો કરાવી; તેના નિકાલ કરાવ્યા–જે પહેલાં આખા ગામમાં હતી એટલી મોસંબી ઉઘરાવી તેનો રસ મધ સાથે પી તેમણે ઉપવાસ જાહેર કર્યો.

કેટલાક લોકો ફરિયાદ લાવતા : અમારા ગામમાં ગોળ મળતો નથી ! કેટલાક લોકો ફરિયાદ લાવતા: અમારા ગામમાં ઢોરને ખવરાવવા કપાસિયા નથી. કેટલાક કહે : અમારે ત્યાં અનાજમાં જવ અપાય છે; અમે બાપજન્મારે જવ ખાધા નથી. કંટાળીને ભગવાનદાસભાઈ કહેતા : 'હું બધે ક્યાં આવી શકું? કહો તો ચિઠ્ઠી લખી આપું.'

'ચિઠ્ઠીથી નહિ માને.'

'એ ન માને તો આવજો..ચિઠ્ઠીને ન માનનારો એવો ક્યો પાક્યો છે?' કહી તેઓ મારી સામે જોતા.

આમજનતાને કોઈ પણ બાબતમાં સંતોષ ન જ હોય એવી વૃત્તિ ધારણ કરવાની દસેક વર્ષથી ટેવ પડી ગઈ છે. કુટિલ નીતિવાળી બ્રિટિશ સલ્તનતનું રાજ્ય હતું ત્યારે અમલદારોને ગભરાવવા માટે આ અસંતોષનો ઠીક ઉપયોગ થતો. પરંતુ સ્વરાજ્યમાં પણ આ ટેવ ચાલી આવે એ લોકશાહી દષ્ટિએ વાજબી કહેવાય નહિ. પરદેશી અમલમાં તો લગાર પણ દુઃખ પડે કે પડ્યાનો ભાસ થાય એટલે લોકોની બૂમાબૂમ આગેવાનો દ્વારા વૃદ્ધિ પામતી, પરંતુ સ્વરાજયમાં લોકો સહજ, દુઃખ વેઠે એમાં શા માટે તેમણે બૂમ પાડી ઊઠવું