આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મને વખત નથી : ૨૫૧
 


'તો પછી આપ એ બિચારાઓને...'

'બિચારાઓ ! પહેલાં તો દોડ્યા હતા બીજે. કાંઈ ફાવ્યું નહિ એટલે આવે છે હવે વળગવા ! હરામખોર...'

હું શાન્ત રહ્યો. પ્રધાનસાહેબ આવી ગયા. તેમનાં ફૂલહાર તથા ખાણા અને મસલત–ભાષણ થઈ ગયાં. દેશનાં દુઃખદર્દ મટાડવાની યોજનાઓ ઘડાઈ અને બાકી રહેલી યોજનાઓ ઘડવા ભગવાનદાસભાઈ ધારાસભામાં પધાર્યા. તેમને હું સ્ટેશને પણ વળાવી આવ્યો.

અંધ ભાઈઓને હજી કોઈ પ્રમુખ મળ્યો જાણ્યો નથી.

આ પ્રસંગનું મેં વર્તમાનપત્રમાં નિવેદન આપ્યું નથી. કારણ મારા મનમાં પણ શંકા રહ્યા કરે છે–

અંધોને દોરવણી આપવામાં વખત નથી એમ કહેવું સારું ?

અગર તો પ્રધાન સાહેબને લેવા જવામાં વખત નથી એમ કહેવું વધારે સારું ?

ગાંધીજી હોય તો શું કરે?

એટલે માત્ર આ બનેલા બનાવની આટલી નોંધ રાખી લીધી છે. મેં આ નોંધ હજી છપાવી નથી.