આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન
 


કહે છે કે વકીલનો કોઈને વિશ્વાસ નહિ !

જે પક્ષ પૈસા વધારે આપે એ પક્ષ તરફથી સાચું ખોટું લડનાર વર્ગ પ્રતિષ્ઠિત ભલે હોય; છતાં સમાજ તેની તરફ કતરાતી આંખે જુએ એ સહજ છે. ભાડૂતી યુદ્ધોમાં પણ વફાદારી છે, ટેક છે, નોખ છે, નીતિનાં ધોરણો છે, એ બધું સમાજને કોણ સમજાવવા જાય ? એ સમજાવવા કરતાં એકાદ વધારે કેસ લડી લેવાય તો શું ખોટું ? જે હોય તે ! આજની ન્યાયપદ્ધતિમાં વકીલ વગર કાઈને ચાલે એમ લાગતું નથી. કોઈ પણ ધર્મને શરમાવે એવો જટિલ કર્મકાણ્ડ આજના ન્યાયશાસનમાં વિકસ્યો છે. એટલે વકીલ વગર ન્યાયનું કર્મકાણ્ડ કોઈને ફાવે જ નહિ.

હું એક વકીલ છું; પ્રતિષ્ઠિત વકીલ છું; એટલો પ્રતિષ્ઠિત કે જો મેં ખાદી ધારણ કરી હોત તો હું આજ પ્રાન્તનો પ્રધાન પણ બની ચૂક્યો હોત. પરંતુ તેનો મને અસંતોષ નથી. હું જીવનભર સંતુષ્ટ રહ્યો છું. ધનને અને સંતોષને સારો સંબંધ હોય છે. પ્રભુએ જે આપ્યું છે એ ઠીક છે. હું અને મારો ઈશ્વર એ સમજી લઈએ