આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ : કાંચન અને ગેરુ
 


'એટલે ?'

'થોડી મિલકત મેં ભેગી કરી રાખી છે.આ સુલતાન માટે... મારા શરીરનો મને ભરોસો નથી. ગમે તે ક્ષણે દેહ પડે.' બલવીરસિંહે ગંભીરતાપૂર્વક ધીમેધીમે કહ્યું.

'આ તમે શી વાત કરો છો? આપણે ડૉકટરને બોલાવીએ. તમને અનુકૂળ પડે તો મારા ઘરમાં રહો. આવી ચિંતા શા માટે ?' વકીલોમાં પણ કદી કદી માણસાઈ પ્રગટે ખરી.

'મોતની તો મને ચિંતા જ નથી. એ તો ગમે ત્યારે આવે. મને ચિંતા છે આ સુલતાનની. મારા પછી એનું શું થશે?'

'એવી ચિંતાનો ઉપયોગ શો ? જાનવર છે. જીવશે ત્યાં લગી ફરશે હરશે..'

'નહિ નહિ, વકીલસાહેબ ! એની તરફ મને મારા જ બાળક સરખો પ્યાર છે. મારા ગયા પછી એ ગમે ત્યાં હરેફરે તો આ રખડેલ કૂતરાં સરખો કાં તો બની જાય, અગર તો છે એવો જાતવાન રહે તો એને કોઈ સમજે નહિ અને મારી નાખે. એ વિચાર મારાથી ખમાતો નથી.' બલવીરસિંહના મુખ ઉપર દુઃખની ઊંડી રેખાઓ દેખાઈ આવી.

'નહિ નહિ, એમ ચિંતા ન કરો. કોઈ કૂતરાના શોખીનને આપણે આપીએ.' મેં હિંમત આપી.

'સાચો શોખીન કોઈ મળતો નથી; નહિ તો મેં ક્યારનો એને સોંપ્યો હોત. મને એમ થયું કે મારા મરતાં પહેલાં સુલતાનને ખતમ કરી દઉં તો એનો ઊંચે જીવ ન રહે. વકીલસાહેબ, તમને શું કહું ? મેં સુલતાનને પૂછ્યું : 'બચ્ચા ! મારી નાખું?' સુલતાન મારા પગ પાસે લોટી પડ્યો. મેં ખરેખર બંદૂક કાઢી તેને લમણે મૂકી. એ બંદૂકને ઓળખે છે; બંદૂક શું કરે છે એ સુલતાન જાણે છે. બીજા કોઈએ બંદૂકે એને બતાવી હોત તે જરૂર એની ગરદન ઉપર સુલતાનનો પંજો પડ્યો હોત,