આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ૩૯
 

આજ્ઞાંકિત બાળકની માફક એ પડી રહ્યો. શું સાહેબ એની આંખ... આનંદથી મરવા માટે એ તૈયાર હતો. મારી આંખમાં આંસુ ઊભરાયાં. 'બેટા, ઉછેરીને તને મારી નાખવો, એમ? નહિ બને.' થાબડીને મેં સુલતાનને બેઠો કર્યો. પછી શું મને એ વળગ્યો છે ! આપણું પોતાનું બાળક...અરે આપણી સ્ત્રી પણ આપણને આટલું વહાલ ન કરે.'

બલવીરસિંહની આંખમાં અત્યારે પણ આંસુ ઊભરાયાં. કૂતરાની વાત કરતાં એમને સમયનું ભાન જ રહેતું નહિ. સુલતાનની વાતમાં મને રસ પડે છે કે નહિ તેનો પણ તેમને ખ્યાલ રહેતો નહિ. અત્યારે તો તેમની તબિયત પણ સારી ન હતી અને ઉશ્કેરણી થાય એવું વિચારવાની કે બોલવાની પણ તેમને મના કરવાની જરૂર હતી.

'બલવીરસિંહ ! આપે તબિયતનો વિચાર કરવાનો છે. ઓછું બોલો.. સુલતાન તમને કેટલો પ્રિય છે એ હું જાણું છું.' મેં તેમને કહ્યું.

'હવે હું વધારે નહિ બોલું. આવું તો, બે વાર બનેલું. પ્રેમાવેશ ખૂન કરવા માટે કેમ તત્પર થાય એનો મને ખ્યાલ આવ્યો. વહાલું પ્રાણી દુઃખી થાય એના કરતાં એને મારી નાખવું એ પુણ્યકામ છે. પણ મારો હાથ એક વખત ઊપડ્યો નહિ. સુલતાનને હું મારે હાથે મારું? અરેરે ! પછી તો હું જાતે જ મારા માથામાં પિસ્તોલ મારું !..પણ એનું શું કરવું એ ચિંતા રાતદિવસ મને રહે છે.'

'ઠાકોરસાહેબ જાઓ, તમે કહેશો ત્યારથી હું એને મારી પાસે રાખીશ. પછી કાંઈ? મને જોકે કૂતરાનો શોખ જરાયે નથી, છતાં તમારા જેવા પ્રાણીપ્રેમીના વાત્સલ્યના સાક્ષી તરીકે હું એને મારી પાસે જ રાખીશ અને સંભાળીશ. પછી કાંઈ?' મેં કહ્યું.

મને બલવીરસિંહ ઉપર દયા આવી એટલે મેં ઊર્મિવશ થઈ વચન આપ્યું – વકીલોને ઊર્મિ સાથે જરાય સંબંધ ન હોવા છતાં !