આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ૪૩
 

નહિ. શબને વળી અંઘોળ શી અને આભડછેટ શી? બળવાની શરૂઆત કરી ચૂકેલી ચિતા પાસે ઊભો રહી સુલતાન મૃત માલિકને નિહાળતો હતો. બલવીરસિંહના દેહમાં પ્રાણ નથી એમ તો તે સમજયો પણ હશે. પરંતુ એના પ્રાણવિહિન દેહને ચિતા ઉપરથી ખેંચી લેવો કે કેમ તેનો જાણે વિચાર કરતો હોય એમ સુલતાન ચારે તરફ જોઈ શબને ફરીફરી જોતો હતો. ખરેખર મજબૂત દોરી તોડી ધ્રાણેન્દ્રિયનો દોર્યો સુલતાન અમારી પાછળ આવી ચૂક્યો હતો.

'સુલતાન, બચ્ચા, હવે તને બલવીરસિંહ નહિ મળે. આવ મારી પાસે.' મેં હિંમત કરી સુલતાન પાસે જઈ તેને પંપાળ્યો, થાબડ્યો અને મારી પાસે લીધો. જબરદસ્ત સુલતાનના દેહમાંથી શક્તિ ઓસરી ગયેલી લાગી. ચિતાને સળગી ઉઠતાં કાંઈ વાર લાગે છે ? સુલતાન મારી પાસે બેસી બળતી ચિતા તરફ જોતો હતો, ઊંચે આકાશ તરફ જોતો હતો, કદી મારા મુખ સામે જોતો હતો અને વચ્ચે આછું રુદન કરી ઊઠતો હતો. કૂતરાનું દુઃખ નિહાળી મારી આંખો પણ વારંવાર ભીની બનતી. ભેગા થયેલા સહું કોઈને મેં સુલતાન અને બલવીરસિંહના પિતાપુત્ર સરખા સંબંધની વાત પણ કહી અને શબ બળી રહે ત્યાં સુધી સમય વિતાવ્યો. સહુને નવાઈ લાગી.

અમે સહુ પાછા વળ્યા. સુલતાનને પણ મેં સાથે લીધો એની આનાકાની છતાં. સહુની વચમાં મારી સાથે તે આવતો હતો. કદી મુખ નીચું ન રાખનાર સુલતાનની ગરદન નીચી નમી ગઈ હતી. એના મુખનો મરોડ પણ હળવો પડી ગયો હતો. ઘર આવતાં કૂદકો મારી સુલતાન બલવીરસિંહની ઓરડીનાં બંધ બારણાં પાસે આવી બેસી ગયો. આજે એણે ખાધું પણ નહિ.

કૂતરાના એક જાણકાર માણસને મેં બાલાવ્યો અને તેને પહેલેથી પગાર આપી સુલતાનને સંભાળવાનું કામ સોંપી કીધું. સુલતાનને અનુકૂળ પડતો ખોરાક તે લઈ આવ્યો. અજાણ્યા માણસનું