આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪ : કાંચન અને ગેરુ
 

એને કામ ન હતું. આજ તે કોઈ અજાણ્યા માણસને ભસતો પણ ન હતો, એટલે સરળતાપૂર્વક સુલતાન પાસે તેણે ખોરાક મૂકી દીધો, થોડી વારે આવી તેણે કહ્યું : 'વકીલસાહેબ ! સુલતાન તો ખેરાકને અડતો પણ નથી.

'હું ચમક્યો. જાતે જ હું સુલતાનની પાસે ગયો. એની પાસે જઈ બહુ માયા બતાવી અને મારા હાથમાં ખોરાક લઈ સુલતાન પાસે ધર્યો. મારી શરમ રાખવા સુલતાને આછો ખોરાક લીધો ખરો, પરંતુ એક સાચી શોકગ્રસ્ત વ્યક્તિની માફક તેના મુખમાંથી સ્વાદ ચાલ્યો ગયો હતો. પછી હું એને મારી સાથે ઘેર લાવ્યો. નિર્જીવ પ્રાણી સરખો તે મારી સાથે આવ્યો; પરંતુ એના જીવનમાં રસ દેખાયો નહિ. ઘડી ઘડી મારી પાસેથી ઊઠી તે બલવીરસિંહવાળે ઓટલે જઈને બેસતો અને રાત્રે તો ખાસ કરીને ઓટલે જ સુઈ રહેતો.

લોકો વાત કરતા કે રાત્રે એ સુલતાન શહેરમાં નીચું જોઈ જતો આવતો કદી કદી દેખાતો.

મેં તેની સાથે દોસ્તી બાંધવા બહુ મહેનત કરી. મને ફાવતું ન હતું છતાં તેને પાસે લેવાની, તેને કુદાવવાની, તેના મુખમાં હાથ નાખી ચીડવવાની, દડા ફેકી દોડાવવાની રમત રમવાનો પ્રયત્ન કર્યે જ જતો હતો, પરંતુ એનામાં જાગૃતિ આવી જ નહિ.

એની સંભાળ માટે રાખેલો માણસ વારંવાર આવી મને કહેતો : `સાહેબ ! સુલતાન બિલકુલ ખાતો નથી.`

એટલે હું ખોરાક તેની પાસે ધરતો અને એક નાના બાળકને સમજાવતો હોઉં તેમ સુલતાનને સમજાવી થોડો ખોરાક તેને આપતો. મને લાગ્યું કે થોડા દિવસમાં એ બલવીરસિંહને ભૂલી જશે અને મારી સાથે એને ફાવટ આવી જશે. એટલા ખાતર હું મારા `કેસ`ના અભ્યાસમાંથી વખત કાઢી તેની સાથે રમવા પણ મથતો હતો. મને લાગ્યું કે જો કોઈની પણ સાથે સુલતાન રમશે તો તે મારી જ સાથે.