આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે ?
 


અશોકનું બાળપણ બહુ સુખમાં વીત્યું.તેના પિતા એક આશાસ્પદ વકીલ હતા અને તેમની મધ્યમ પ્રકારની આર્થિક સ્થિતિ ત્યારે તો સહ્ય અને ભવિષ્ય માટે ઉપકારક બનતી. એ મધ્યમ સ્થિતિમાં આજની ભયંકરતાનું ભાન ન જ હોય.

પરંતુ અશોકના પિતાનું આશાસ્પદ જીવન બહુ વહેલું અસ્ત પામ્યું. અશોક પાંચછ વર્ષનો થયો એટલામાં તો તેના પિતાનું અવસાન થયું. ત્યારથી અશોકની માતા સુનંદા એકલી તેના જીવનને દોરી રહી. સુનંદાએ પતિશોકનો અગ્નિ હૃદયમાં ભાર્યો અને પુત્રની સામે શક્ય એટલી જીવનની ઊજળી બાજુ રજૂ કરી. અશોક સારું અને પૂરું ભણે એ જ સુનંદાનું ધ્યેય બની રહ્યું.

તેમ કરવામાં તેનું એક ઘરેણું ગયું, બીજું ગયું, અને જે ઘરેણાં હતાં તે બધાં જ ગયાં. થોડા ઘણા પૈસા હતા તે પણ ગયા: રાચરચીલું અદ્રશ્ય થયું અને અંતે ઘર ચલાવવા માટે તેમ જ અશોકના ભણતર માટે સુંનદાને પ્રતિષ્ઠિત દેખાતી મહેનત પણ કરવી પડી. જ્યાં સુધી અશોકની સમજણ ઓછી હતી ત્યાં સુધી